આ વર્ષ ૧૯ માર્ચથી ૨૭ માર્ચ સુધી ચાલશે પાવન નવરાત્રિનુ પર્વ
ગુડી પડવો, ચેટીચાંદ અને વર્ષ પ્રતિપદાની ઉજવણી સાથે ભક્તિનો ઉમંગ ભર્યા માહોલ છવાશે
ચૈત્રી નવરાત્રી દરમિયાન અંબાજી શક્તિપીઠ સહિતના મંદિરોમાં ભક્તોની ભીડ જામશે
બનાસકાંઠા જિલ્લામાં આજથી ચૈત્રી નવરાત્રિનો પાવન પ્રારંભ થવા જઈ રહ્યો છે, જે ૧૯ માર્ચથી શરૂ થઈ ૨૭ માર્ચ સુધી નવરાત્રી ઉજવાશે. આ પર્વ શક્તિની ઉપાસના અને આરાધનાનું પ્રતિક માનવામાં આવે છે. આજના દિવસે ગુડી પડવો, ચેટીચાંદ અને વર્ષ પ્રતિપદા જેવા તહેવારોની પણ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે, જેને કારણે સમગ્ર જિલ્લામાં ભક્તિમય માહોલ સર્જાશે. હિન્દુ શાસ્ત્રો અને જ્યોતિષ અનુસાર વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે, જેમાં આસો નવરાત્રિ જેટલું જ ચૈત્રી નવરાત્રિનું પણ વિશેષ મહત્વ છે. આ નવ દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓ માતાજીની પૂજા-અર્ચના, ઉપવાસ અને જપ-તપ કરે છે. મંદિરોમાં પ્રથમ દિવસે ઘટ સ્થાપન સાથે નવરાત્રિની શરૂઆત થાય છે અને વિશેષ શણગાર સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે.
અંબાજી શક્તિપીઠ પર નવરાત્રી દરમિયાન લાખો ભક્તો દર્શન માટે ઉમટશે તેવી શક્યતા છે. અહીં સવાર-સાંજ આરતી, રાજભોગ અને વિશેષ દર્શન વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. નવરાત્રિ દરમિયાન આઠમ અને રામનવમીના પર્વે નવચંડી યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક વિધિઓ પણ યોજાતાં હોય છે. આ અવસરે અનેક માઈભક્તો નકોરડા ઉપવાસ રાખી પોતાના ઘરોમાં અખંડ જ્યોત પ્રગટાવી શક્તિ આરાધના કરશે. ભક્તો માતાજીના મહામંત્રોના જાપ સાથે આધ્યાત્મિક શાંતિ અને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. ચૈત્રી નવરાત્રિને લઈ સમગ્ર ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં ભક્તિ અને આસ્થાનો માહોલ છવાયો છે, અને આ પર્વ ભક્તો માટે આધ્યાત્મિક શક્તિ મેળવવાનો અનોખો અવસર બની રહ્યો છે.
પ્રથમ દિવસે ગુડી પડવો અને ચેટીચાદ અને વર્ષ પ્રતિપદા નું પર્વ મનાવવામાં આવશે
ચૈત્ર સુદ એકમના દિવસે મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા નવા વર્ષનો પ્રારંભ ગુડી પાડવો તેમજ સિંધી સમુદાય ના ઇષ્ટદેવ જુલેલાલ ની જન્મ જયંતી ચેટીચાંદની પણ ભાવપૂર્વક ઉજવણી ઠેરઠેર થતી હોય છે આ ઉપરાંત હિન્દુ લોકો વર્ષ પ્રતિપદા તરીકે પણ આજના દિવસની ઉજવણી કરે છે.
શુભ મુહૂર્તમાં ઘટસ્થાપન સાથે નવરાત્રી ની શરૂઆત થશે
ચૈત્રી નવરાત્રી આજે તા.૧૮ માર્ચથી ૨૭ માર્ચ સુધી ઉજવણી થશે જેમાં માતાજીના વિવિધ નવ સ્વરૂપોની ભકિતભાવ સાથે માતાજીના ઉપાસકો અને ભકતો પૂજા-અર્ચના કરશે. આજે ૧૯ માર્ચને ગુરુવાર થી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થશે. અને પ્રથમ દિવસે ઘટસ્થાપન કરી માતાજીના ઉપાસકો નવરાત્રીની શરૂઆત કરશે.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે ઘટ સ્થાપન કરાશે
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદીમાં જણાવ્યા અનુસાર ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે ૧૯ માર્ચના રોજ સવારે ૭:૩૦ કલાકે શાસ્ત્રોક્ત વિધિ સાથે ઘટ સ્થાપન કરવામાં આવશે. નવરાત્રિ દરમિયાન દરરોજ સવારે આરતી ૭:૦૦ થી ૭:૩૦ કલાકે અને દર્શન સવારે ૭:૩૦ થી ૧૧:૩૦ કલાક સુધી કરી શકાશે. બપોરે ૧૨:૦૦ કલાકે રાજભોગ ધરાવવામાં આવશે, ત્યારબાદ બપોરે ૧૨:૩૦ થી ૧૬:૩૦ સુધી દર્શન ખુલ્લા રહેશે. સાંજના સમયે આરતી ૧૯:૦૦ થી ૧૯:૩૦ અને દર્શન ૧૯:૩૦ થી ૨૧:૦૦ કલાક સુધી ચાલુ રહેશે.
ડીસા ગાયત્રી શક્તિપીઠ પર સામુહિક અનુષ્ઠાનનો સંકલ્પ થશે
નવરાત્રીના પર્વ એ ગાયત્રી પરિવાર દ્વારા વિશેષ અનુષ્ઠાન કરવામાં આવે છે. ત્યારે ચૈત્રી નવરાત્રીને લઇ ગાયત્રી શક્તિપીઠ પર વહેલી સવારે ઘટ સ્થાપના સાથે સામુહિક અનુષ્ઠાનનો સંકલ્પ થશે. જેમાં ગાયત્રી પરીજનો નવ દિવસ સુધી વિવિધ સાધના આરાધના અને ઉપાસના કરી રામનવમીના પવિત્ર દિવસે યજ્ઞની સાથે પૂર્ણાહુતિ કરવામાં આવશે.

