ઘટ્ટ સ્થાપના વિધિ અને મંગળા આરતીનો લાભ લઈ ભક્તોએ ધ્યાનતા અનુભવી; સરસ્વતી નદીના પવિત્ર જળ સહિત શાસ્ત્રો અનુસાર સાત પ્રકારના અનાજના જવારો વાવીને ઘટ્ટ સ્થાપના વિધિને પૂર્ણ કરાઈ ભટ્ટજી મહારાજ ભરતભાઈ આજથી ચૈત્ર નવરાત્રીનો શુભ-આરંભ થયો છે. આ ચૈત્ર શુક્લ પક્ષની વાસંતિક નવરાત્રી છે, હિન્દુ નવું વર્ષ ચૈત્ર નવરાત્રીથી શરૂ થાય છે. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે અંબાજી મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. નવરાત્રિનો પ્રથમ દિવસ ભક્તિ અને શ્રદ્ધા સાથે ઉજવાયો હતો. અંબાજી મંદિરમાં મંગળા આરતીમાં ભક્તોનો ઉલ્લાસ જોવા મળ્યો છે. સવારે મંગળા આરતીમાં બહોળી સંખ્યામાં ભકતો જોડાયા હતા. અંબાજી મંદિરમાં મંગળા આરતી પછી ઘટ સ્થાપના કરાયું હતું. જે ૫૧ શક્તિપીઠોમાંનું એક અને આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે, આ તકે પરિસરમાં “બોલ મારી અંબે, જય જય અંબે”ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી.
નવરાત્રિ પ્રારંભ પ્રસંગે અંબાજી વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદીએ જણાવ્યું કે, અંબાજી ખાતે ભટ્ટજી મહારાજ અને પંડિતોની હાજરીમાં શાસ્ત્રો વિધિ થકી ઘટ્ટ સ્થાપના વિધિ પૂર્ણ કરાઈ છે. બહોળી સંખ્યામાં ભક્તો અંબાજી ખાતે માં અંબાના દર્શેને પધાર્યા હતા. વિશ્વ કલ્યાણ હેતુ તમામ વિધિઓ પૂર્ણ કરાઈ છે તેમ તેમણે જણાવ્યું હતું. નવરાત્રિ દરમિયાન દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
આ પ્રસંગે ભટ્ટજી મહારાજ ભરતભાઈ પાધ્યાએ જણાવ્યું હતું કે, મંદિરથી દૂર ત્રણ કિલોમીટર અંતરે આવેલી સરસ્વતી નદીમાંથી પવિત્ર જળને લાવીને શાસ્ત્રો અનુસાર સાત પ્રકારના અનાજના જવારો વાવીને ઘટ્ટ સ્થાપના વિધિને પરિપૂર્ણ કરાઈ છે. સરસ્વતી નદીનું જ જળ પૂજા અર્ચના માટે વપરાય છે જે પરંપરાને આગળ ધપાવી છે. તેમણે ભક્તોને વિશ્વ કલ્યાણ માટે બેસતા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
ચૈત્ર નવરાત્રિને લઈને અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ વખતે ચૈત્રી નવરાત્રીના આઠ દિવસ છે. બોલ મારી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યુ હતું. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીના દર્શન અને આરતીનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસરમાં હવન, આરતી અને શક્તિ આરાધનાના વિધિ-વિધાન સાથે માહોલ ભક્તિમય બની ગયો હતો. માતાજીના ચાચર ચોકમાં જય અંબેના નાદની અખંડ ધૂનનો પ્રારંભ કરવામાં આવ્યો. ભક્તોએ માતાજીના ચરણોમાં આરતી, ફૂલહાર, શૃંગાર અને વિશેષ પ્રાર્થનાઓ કરી હતી. નવરાત્રિને લઈને આરાસુરી અંબાજી દેવ સ્થાન ટ્રસ્ટ દ્વારા આરતીનો તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.