ઉનાળાની શરુઆત થતાની સાથે જ પ્રકૃતિએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હોય તેમ અસહ્ય ગરમીનો પ્રકોપ એકાએક વધીજતા ગરમીનો પારો ઉચકાઈ ગયો છે. અંગ દઝાડતી ગરમીમાં માણસ તો માણસ પણ હવે તો વાહનો પણ બાકાત નથી રહ્યા કે જેને ગરમીના લીધે પારાવાર નુકશાન વેઠવું પડી રહ્યું છે. ગત રોજ મહેસાણા શહેરના મોઢેરા ચાર રસ્તા નજીકથી ચિક્કાર ટ્રાફિક વચ્ચે પસાર થઈ રહેલી જીજે02 એપી 0640 નંબરની સેન્ટ્રો ગાડીમાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી.
જે ગાડીમાં બેઠેલા પરિવારના સભ્યો મહેસાણા નજીકમાં આવેલા મેવડ ગામે ગોગા મહારાજના મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા હતા ત્યારે સેન્ટ્રો ગાડીમાં અચાનક જઆગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ઉનાળાની ગરમીના દિવસોમાં ખાસ કરીને સીએનજી ગેસ દ્વારા ચાલતી ગાડીઓમાં આગ લાગવાના બનાવ અવારનવાર જોવા મળતા હોય છે તેમ આ સેન્ટ્રો ગાડી પણ સીએનજી ફ્યુલ વાળી ગાડી હોવાથી તેમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી.એકાએક ગાડીમાં આગ લાગવાનો બનાવ બનતાની સાથે ગાડીમાં બેઠેલા એક જ પરિવારના પાંચ સભ્યો સમય સુચકતા વાપરી ગાડી માંથી ઉતરી જતા તે તમામનો જીવ બચી જવા પામ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે મોઢેરા ચાર રસ્તા નજીક સીએનજી ફ્યુલ વાળી સેન્ટ્રો ગાડીમાં અચાનક જ આગ લાગતા અંદર બેઠેલા પરિવારના પાંચ સભ્યોએ સમય સુચકતા વાપરી ગાડીમાંથી ઉતરી જતા કોઈ દુર્ઘટના કે જાનહાની થતા ટળી હતી પરંતુ ગાડી રોડ પર ભડભડ સળગી ઊઠી હતી. જ્યાં ફાયર બ્રિગેડ તેમજ પોલીસ વિભાગ ઘટના સ્થળે પહોંચી ગાડીમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો અન્ય કોઈ જાનહાની કે નુકશાન ન થાય અને ટ્રાફિકની સમસ્યા ન અવરોધાય તે હેતુથી થોડીકવાર માટે એક બાજુનો રસ્તો બંદ કરાવી સળગતી સેન્ટ્રો ગાડી પટ સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આ બનાવના પગલે ઘટના સ્થળે મોઢેરા ચાર રસ્તા નજીક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.