ચોમાસામાં સાંતલપુર-રાધનપુર પંથકમાં પડેલાં ભારે વરસાદનાં કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિનાં કારણે થયેલા નુકસાનની સમીક્ષા અને પૂરની સ્થિતિનું કારણ જાણવા માટે ભારત સરકારની ટીમે રાધનપુર સાંતલપુર વિસ્તારની મુલાકાત લીધી હતી. અને તંત્ર પાસેથી નુકસાની તેમજ પરિસ્થિતિ ઉદ્ભવવા પાછળનો સમગ્ર ચિતાર મેળવ્યો હતો.
રાધનપુર-સાંતલપુર પંથકમાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાતા તેની સમીક્ષા કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટીમની રચના કરવામાં આવી હતી. ભારત સરકારની ટીમે રાધનપુર-સાંતલપુર પંથકની મુલાકાત લીધી હતી. બે માસ બાદ વરસાદી પાણીથી ભરાયેલાં ખેતરોનું ટીમે નિરીક્ષણ કર્યું હતું. અને તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી હતી.
જેમાં ખેતી પાકને નુકસાન જમીન ધોવાણ પશુમૃત્યુ, માનવ મૃત્યુ, મકાન નુકસાન સહિતની નુકસાની બાબતેની જાણકારી મેળવી હતી. ટીમ દ્વારા આ બાબતે સરકારમાં રિપોર્ટ કરાશે. પૂરની પરિસ્થિતિ કેમ ઉદભવી તેની કેન્દ્ર સરકારની ટીમે તંત્ર પાસે જાણકારી મેળવી હતી જેમાં ક્લાઇમેન્ટ ચેન્જના કારણે એક સાથે વધારે વરસાદ પડતાં તેમજ ભારતમાલા હાઇવે અને નર્મદાની કેનાલના કારણે વરસાદી પાણી નિકાલમાં અવરોધ થતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાની તંત્રના અધિકારીઓએ ટીમને જાણકારી આપી હોવાનુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

