કોઈપણ પ્રકારની ચિંતા કરતા નહિ સરકાર તમારી સાથે છે : કેબિનેટ મંત્રી
કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સરસ્વતી તાલુકાના ભીલવણ ગામમાં મકવાણા અમૃતભાઈની દીકરીના લગ્ન પ્રસંગે ડીજે વગાડવાના મામલે અત્યાચારની જે ઘટના બની હતી તેના સંદર્ભે પીડિત પરિવારોની શનિવારે મુલાકાત લીધી હતી. જ્યાં કેબિનેટ મંત્રીએ પીડિત પરિવારોને મળી ને તેમની સાથે બનેલા દુઃખમાં સહભાગી બન્યા હતા. અને પરિવાર સાથે સંવાદ કર્યો હતો.અને ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટના ના બને તે માટેની ખાતરી સાથે હુંફ આપી હતી.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી રાજપૂતે જણાવ્યું હતું કે, ભીલવણ ગામે જે બનાવ બન્યો છે એ અત્યંત દુઃખદ છે. આપણી વર્ષોની પરંપરા રહી છે કે સુખ દુઃખના પ્રસંગે એકત્ર થઈ અને એકબીજાની મદદ કરવી.પરંતુ અહીં ભીલવણ ગામે પીડિત પરિવારે લગ્નના પ્રસંગે ડીજે વગાડવા મામલે જે અત્યાચારની ઘટના બની તેના અનુસંધાને રાજ્ય સરકારે કડક પગલાં લીધા છે. ગુનેગારોને છોડવામાં આવશે નહિ. રાજ્ય સરકાર પીડિત પરિવારની સાથે છે તેમ જણાવી રાજ્ય સરકારની યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવશે તેવી પરિવારને ખાત્રી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની ચિંતા કરતા નહિ સરકાર તમારી સાથે છે.