રિલાયન્સના રાઇટ્સ ઈશ્યુની રેકોર્ડ ડેટ નક્કી થઇ, BSE અને NSE એ ૪૨.૨૬ કરોડથી વધુ શેર્સ માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી
રખેવાળ, નવી દિલ્હી : રિલાયન્સે નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE)ના પ્લેટફોર્મ પર એક નિવેદનમાં કહ્યું છે કે ૩૦ એપ્રિલે મળેલી બેઠકમાં કંપનીના બોર્ડે રેકોર્ડ તારીખ અને તેનાથી સંબંધિત અન્ય બાબતો નક્કી કરવા માટે રાઇટ ઇશ્યૂ કમિટીની રચના કરી હતી. રવિવારે મળેલી બેઠકમાં સમિતિએ નિર્ણય કર્યો કે ૧૪ મે ૨૦૨૦ રેકોર્ડ ડેટ હશે. આ રાઇટ ઇશ્યૂમાં, શેરધારકોને તેમની પાસેના પ્રત્યેક ૧૫ શેર માટે એક શેર ખરીદવાનો અધિકાર મળશે. કંપનીએ એમ પણ કહ્યું કે, તેને BSE અને NSE તરફથી રાઇટ્સ ઇશ્યૂ લાવવા માટે પરવાનગી પણ મળી છે. કંપનીએ કહ્યું કે રાઇટ્સ ઇશ્યૂની શરૂઆત અને અંતિમ તારીખ અલગથી આપવામાં આવશે.
કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, ૪૨ કરોડ ૨૬ લાખ ૨૬ હજાર ૮૯૪ શેરોના સૂચિત રાઇટ્સ ઇશ્યૂ લાવવા BSE અને NSE તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. આનો અર્થ એ કે કંપની આ ઇશ્યૂમાં ૪૨,૨૬,૨૬,૮૯૪ શેરની ઓફર કરી રહી છે. કંપનીએ રાઇટ્સ ઇશ્યૂ માટે શેર દીઠ રૂ.૧,૨૫૭ની કિંમત નક્કી કરી છે. આનો અર્થ એ કે કંપની આ ઓફરથી કુલ રૂ. ૫,૩૧,૨૪,૨૦,૦૫,૭૫૮ (રૂ. ૫૩,૧૨૪ કરોડથી વધુ) એકત્ર કરશે.
કંપનીએ કહ્યું કે, આ રાઇટ ઇશ્યૂની શરૂઆત અને અંતિમ તારીખ અલગથી આપવામાં આવશે. કંપનીએ એમ પણ કહ્યું હતું કે, તેને રાઇટ્સ ઍનટાઇટલમેન્ટની રજૂઆત કરવા માટે ઇન્ટરનેશનલ સિક્યોરિટીઝ આઈડેન્ટિફિકેશન નંબર INE002A20018 મળ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લગભગ ત્રણ દાયકા પછી રાઇટ્સ ઇશ્યૂ લાવી રહી છે. કંપનીનું લક્ષ્ય છે કે આગામી એક વર્ષમાં સંપૂર્ણ રીતે દેવામાંથી મુક્ત થઇ જાય.
Tags business