રિલાયન્સે કેટલાક કર્મચારીઓના પગારમાં ૧૦ ટકા કાપ મૂક્યો, મુકેશ અંબાણી સહિત ટોપ મેનેજમેન્ટનો વધુ પગાર કપાશે
મુંબઈ
દેશની અગ્રણી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ઇૈંન્)એ કોરોના મહામારીને લીધે ઓછી નફાકારક પરિસ્થિતિનો સામનો કરવા માટે ઓઈલ-ગેસ ડિવિઝનના કેટલાક ઉચ્ચ અધિકારીઓના વેતનમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. દેશના સૌથી સમૃદ્ધ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ જેમનો પગાર વાર્ષિક ૧૫ લાખથી વધારે હોય તેમના વેતનમાં ૧૦ ટકાનો જ્યારે સિનિયર એક્ઝિક્યુટીવના વેતનમાં ૩૦ ટકાથી ૫૦ ટકા સુધીનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે,તેમ સૂત્રોએ જણાવ્યું છે. મુકેશ અંબાણી પણ તેમનું વેતન ન લે તેવી શક્યતા છે.
મળેલી માહિતી પ્રમાણે વેતનમાં ઘટાડો હાઈડ્રોકાર્બન વિભાગના એ તમામ કર્મચારીઓને લાગુ થશે કે જેમનું વેતન વાર્ષિક ૧૫ લાખ રૂપિયાથી વધારે છે. રૂપિયા ૧૫ લાખથી ઓછું વેતન ધરાવતા કર્મચારીઓને આ નિર્ણયથી કોઈ અસર થશે નહીં.કોવિડ-૧૯ને લીધે હાઈડ્રોકાર્બન કારોબારને સૌથી વધારે અસર થઈ છે. આ પ્રોડક્ટની માંગ પર ખૂબ જ અસર જોવા મળે છે.
વાર્ષિક રોકડ બોનસ અને કાર્ય દેખાવ સંબંધિત ઈન્સેન્ટીવ પર પણ તેની અસર થશે. સામાન્ય રીતે બોનસ અને અન્ય ઈન્સેન્ટીવ પ્રથમ ત્રિમાસિક ગાળામાં આપવામાં આવે છે. પણ હવે તેને થોડા સમય માટે અટકાવામાં આવી શકે છે અથવા તો તેમા કાપ મુકવામાં આવી શકે છે. પત્રમાં જણાવ્યા પ્રમાણે આર્થિક અને કારોબારી પ્રવૃત્તિઓ પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે અને સ્થિતિનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીનું વેતન અત્યારે વાર્ષિક રૂપિયા ૧૫ કરોડ છે અને છેલ્લા ૧૧ વર્ષથી તેમના વેતનમાં કોઈ વધારો થયો નથી. તેમનું છેલ્લે વર્ષ ૨૦૦૮-૨૦૦૯માં ઈન્ક્રીમેન્ટ મળ્યું હતું. તે સમયે તેમનો પગાર ૧૫ કરોડ રૂપિયા હતો. જોકે મુકેશ અંબાણીના નજીકના સંબંધિત નિખિલ મેસવાણી અને હિતલ મેસવાણીના વેતનમાં વધારે છે. ગત નાણાકીય વર્ષમાં નિખિલને રૂપિયા ૨૦.૫૭ કરોડ અને હિતલને ૧૯.૯૯ કરોડ રૂપિયા વેતન મળ્યુ હતું. કંપનીના કાર્યકારી નિર્દેશક પી.એમ.એસ.પ્રસાદ રૂપિયા ૧૦ કરોડથી વધારે વેતનનું પેકેજ ધરાવે છે.
Tags business