500ની કરોડો નોટો ગુમ થવા અંગે RBIનો ખુલાસો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એક પ્રેસ રિલીઝ દ્વારા જણાવ્યું હતું કે સિસ્ટમમાંથી ₹ 88,032 કરોડના મૂલ્યની ₹ 500 ની નોટો ગુમ થવાની વાત તદ્દન ખોટી છે. આરબીઆઈએ કહ્યું કે મીડિયાના અમુક વિભાગોએ પ્રિન્ટિંગ પ્રેસથી બેન્કો સુધી પહોંચવા દરમિયાન ચલણી નોટો ગુમ થવાનો મામલો પ્રસારિત કર્યો હતો. RBI અનુસાર આ અહેવાલો RTI એક્ટ, 2005 હેઠળ પ્રિન્ટિંગ પ્રેસમાંથી એકત્રિત કરવામાં આવેલી માહિતીના ખોટા અર્થઘટન પર આધારિત હતા.
આરબીઆઈના જણાવ્યા અનુસાર, “પ્રિંટિંગ પ્રેસમાંથી આરબીઆઈને મોકલવામાં આવેલી તમામ બેંક નોટોનું યોગ્ય હિસાબ જાળવવામાં આવે છે. ઉપરાંત તમને જણાવી દઈએ કે પ્રેસમાં છપાયેલી અને આરબીઆઈને મોકલવામાં આવેલી બેંક નોટને મેચ કરવા માટે મજબૂત સિસ્ટમ છે, જેમાં ઉત્પાદનની દેખરેખ તેમજ નોટોના સંગ્રહ અને વિતરણ માટેના પ્રોટોકોલનો સમાવેશ થાય છે.” આરબીઆઈએ લોકોને વિનંતી કરી છે કે તેઓ આવી બાબતોમાં આરબીઆઈ દ્વારા સમયાંતરે પ્રકાશિત થતી માહિતી પર જ વિશ્વાસ કરે.
શનિવારે કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો જેમાં નોટો ગુમ હોવાનું જણાવવામાં આવ્યું હતું. અહેવાલમાં કાર્યકર્તા મનોરંજન રોય દ્વારા માહિતી અધિકાર અધિનિયમ (RTI) દ્વારા મેળવેલા ડેટાને ટાંકવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે ₹ 88,032.50 કરોડના મૂલ્યની ₹ 500 ની નોટો ગાયબ છે. ત્રણ પ્રિન્ટિંગ પ્રેસના ડેટા પરથી જાણવા મળ્યું છે કે નવી ડિઝાઇનની ₹500ની 8810.65 મિલિયન નોટ ત્રણ ચલણી નોટ પ્રેસ દ્વારા છાપવામાં આવી હતી. જો કે, આરબીઆઈના રેકોર્ડ દર્શાવે છે કે 2016-17 દરમિયાન માત્ર 7260 મિલિયન નોટો જ પ્રાપ્ત થઈ હતી.