ચોમાસુ મોડું પડતાં ડાંગર તેમજ સોયાબીનનું વાવેતર નીચું
વર્તમાન વર્ષમાં ચોમાસાની પ્રગતિ ઢીલમાં પડતા ડાંગર તથા સોયાબીનના વાવેતર પર અસર પડવાની ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે. કૃ।ષ ક્ષેત્ર માટે મહત્વના એવા દેશના અનેક રાજ્યોમાં ચોમાસું હજુ બેઠું નથી. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં વરસાદની વ્યાપક ખાધ જોવા મળી રહી છે. ગયા સપ્તાહમાં ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને કારણે ચોમાસાની પ્રગતિ અવરોધાઈ છે.
ચોમાસુ ભલે હાલમાં ઢીલમાં પડયું હોય પરંતુ બાકીના ત્રણ મહિનામાં વરસાદ સરભર થઈ જવાની અપેક્ષા છે, પરંતુ ઢીલને કારણે ખેડૂતો માટે વાવણીની કામગીરી કઠીન બની રહી છે. ખાસ કરીને ડાંગરનો પાક લેતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે, કારણ કે ડાંગરને વધુ પાણીની આવશ્યકતા રહે છે.
ચોખાનો પાક લેતા અસંખ્ય ખેડૂતો કઠોળ તરફ વળી રહ્યા હોવાનું કૃષિ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. કારણ કે કઠોળને ઓછા પાણીની આવશ્યકતા રહે છે.
ચોખા ઉપરાંત મહારાષ્ટ્ર તથા મધ્ય પ્રદેશમાં સોયાબીનના પાક પર પણ અસર જોવા મળી રહી છે. દેશમાં ચોખાનો સૌથી વધુ પાક પશ્ચિમ બંગાળમાં લેવામાં આવે છે.
વર્તમાન મોસમના અત્યારસુધીના આંકડા પ્રમાણે ચોખાનું વાવેતર ૩૪ ટકા નીચું જોવા મળી રહ્યું છે જ્યારે સોયાબીનમાં ૩૬ ટકા ઘટ રહી છે. કઠોળના એકંદર પાકમાં ૩.૮૦ ટકા વધારો રહ્યો છે.