ક્રેડિટ કાર્ડની સંખ્યા 8.65 કરોડના રેકોર્ડ સ્તરે
કારોબાર વિસ્તૃત કરવા માટે બેંકોએ નાના અને મધ્યમ શહેરોમાં મોટા પાયે કાર્ડ જારી કરતા એપ્રિલમાં ક્રેડિટ કાર્ડની સંખ્યા ૮૬૫ લાખ કાર્ડના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. આ સાથે હવે અમેરિકાની રાહે ભારતમાં પણ ક્રેેડિટ કાર્ડને બેંકો દ્વારા એક ધંધાકીય આવકનું માધ્યમ બનાવાઈ રહ્યું છે અને તે હવે શહેરો પૂરતું સીમિત રહ્યું નથી. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે એક નોટમાં જણાવ્યું કે ‘એપ્રિલ ૨૦૨૩ના મહિનામાં ક્રેડિટ કાર્ડમાં ૧૨ લાખનો વધારો થયો છે. આ બમ્પર વધારા સાથે ભારતમાં ક્રેડિટ કાર્ડની કુલ સંખ્યા ૮૬૫ લાખની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે.’ એપ્રિલમાં ડેબિટ કાર્ડની સંખ્યા ૯૬.૭ કરોડ હતી, જે વર્તમાન ક્રેડિટ કાર્ર્ડની સંખ્યા કરતા દસ ગણી વધારે છે.
માર્કેટ શેરના સંદર્ભમાં સિટીના ભારતીય કારોબારના હસ્તાંતરણને કારણે સૌથી વધુ ફાયદો એક્સિસ બેંકને થયો છે. સિટીબેંકના કન્ઝયુમર બિઝનેસના અધિગ્રહણને કારણે એક્સિસ બેંકનો બજાર હિસ્સો ફેબુ્રઆરી, ૨૦૨૩થી ૧૧.૭ ટકા વધીને એપ્રિલ, ૨૦૨૩માં ૧૪.૨ ટકા થયો છે.કાર્ડ ઈન સર્ક્યુલેશન (સીઆઈએફ)ના સંદર્ભમાં એસબીઆઈ કાર્ડનો બજાર હિસ્સો ફેબુ્રઆરી ૨૦૨૩ના ૧૯.૮ ટકાથી ઘટીને એપ્રિલ, ૨૦૨૩માં ૧૯.૫ ટકા થયો હતો. એચડીએફસી બેંકનો સીઆઈએફ શેર માસિક ૨૦.૬ ટકાથી નજીવો વધીને ૨૦.૭ ટકા થયો છે.
નવા ભૌગોલિક પ્રદેશોમાં જારી થનારા ક્રેડિટ કાર્ડની સંખ્યા વધી રહી છે. ઉપનગરીય વિસ્તારોમાં કાર્ડ થકી ઉઘાર નાણાંની સ્વીકૃતિ વધી રહી છે. પરિણામે ક્રેેડિટ કાર્ડનો ઉપયોગ અને ખર્ચ ડેબિટ કાર્ડ કરતાં વધુ થઈ ગયો છે. ક્રેડિટ કાર્ડના ખર્ચમાં વધારો થવાનું મુખ્ય કારણ છે કે ગ્રાહકો ઓનલાઇન અને ઓફલાઇન ખરીદી માટે ડેબિટ કાર્ડ કરતાં ક્રેેડિટ કાર્ડનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરનારાઓ શાનદાર રિવોર્ડ અને નવા કાર્ડ ઈશ્યુઅન્સને જોરે કારોબાર વધારી રહ્યાં છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર તાજેતરના મહિનાઓમાં ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પરના વ્યવહારોની સંખ્યા વચ્ચેનું અંતર ઝડપથી વધી ગયું છે. જાન્યુઆરીમાં ક્રેડિટ કાર્ડ દ્વારા ૨૫૯૦ લાખ અને ડેબિટ કાર્ડ દ્વારા ૨૫૦૦ લાખ વ્યવહારો થયા હતા. માર્ચ અને એપ્રિલમાં ક્રેેેડિટ કાર્ડના વ્યવહારો અનુક્રમે ૨૬૩૦ લાખ અને ૨૫૬૦ લાખ હતા. આ સમયગાળા દરમિયાન ડેબિટ કાર્ડ વ્યવહારો અનુક્રમે ૨,૩૮૦ લાખ અને ૨,૨૯૦ લાખ હતા.
ક્રેડિટ કાર્ડનો માસિક ખર્ચ ડેબિટ કાર્ડ કરતાં બમણા કરતાં પણ વધુ છે. એપ્રિલમાં ક્રેડિટ કાર્ડનો કુલ ખર્ચ રૂ. ૧.૩૨ લાખ કરોડ હતો, જ્યારે ડેબિટ કાર્ડનો ખર્ચ રૂ. ૫૪,૦૦૦ કરોડ જ હતો.