પ્રોત્સાહક પગલાંથી નવાં 4000 યુનિટો શરૂ થશે, વાર્ષિક 10,000 કરોડનું રોકાણ આવશે

Business
Business

કોરોના મહામારીના કારણે ગુજરાતના ઔદ્યોગિક એકમોને સરેરાશ 50000 કરોડથી વધુની નુકસાની પહોંચી છે. એટલું જ નહિં સરેહાશ 70 દિવસના લોકડાઉન અને 10 લાખથી વધુ પરપ્રાંતિય કામદારોએ વતનની વાટ પકડી છે ત્યારે અનેક ઉદ્યોગો રાબેતા મુજબ ઉત્પાદન કરી શકે તેવી સ્થિતિમાં નથી. ગુજરાતના અનેક નાના યુનિટો વાવટા સંકેલવાની તૈયારીમાં હતા. MSME સેક્ટરે અનેક માંગણીઓ કરી હતી.

ગુજરાતના ઉદ્યોગોને ઉગારવા અને અર્થતંત્રને ફરી ધબકતું કરવા માટે ગુજરાત ઇકોનોમિ રિફોર્મ કમિટીની હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં રચના કરવામાં આવી જેના અનુસંધાને સેક્ટરને અનેક રાહતોની લ્હાણી કરવામાં આવી છે. MSME માટે લેવામાં આવેલા પ્રોત્સાહક પગલાથી સાણંદ, દહેજ, ન્યૂ હાલોલ તથા સાણંદ જેવા અનેક ઔદ્યોગિક વસાહતોમાં અંદાજે 4000 યુનિટો શરૂ થશે, વાર્ષિક 10000 કરોડનું રોકાણ આવશે.

અઢિયા કમિટીની અધ્યક્ષતામાં લેવાયેલા પ્રોત્સાહ નિર્ણયના કારણે ગુજરાતમાં નવા રોકાણની સાથે રોજગારીનું પણ સર્જન થશે. વિદેશી રોકાણકારો પણ રોકાણ કરવા આતુર બનશે. આ ઉપરાંત ગુજરાતમાં 6000 હેક્ટર જમીન ઉદ્યોગકારોએ ખરીદી છે જેમાં આગામી પાંચ વર્ષોમાં 1.5 લાખ કરોડનું નવું રોકાણ આવી શકે છે. ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગોને બેઠા કરવા માટે લેવાયેલા પગલાથી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ગ્રોથ એન્જિનનું બિરૂદ જાળવી રાખશે. એમએસએમઇ સેક્ટર માટે FIA અગ્રેસર કામગીરી કરી રહ્યું છે જેના પરિણામે ઉદ્યોગને નવું જોમ મળશે.

મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વિદેશી રોકાણકારો માટે ગુજરાત પહેલી પસંદ છે. રશિયન ફેડરેશન સાથે એફઆઇએની ચર્ચા ચાલી રહી છે. 15 જેટલી રશિયન કંપનીઓ ગુજરાતમાં 1500 કરોડથી વધુનું રોકાણ કરવા આતુર છે. આગામી ટુંકાગાળામાં રશિયન ફેડરેશન અને એફઆઇએ વચ્ચે એમઓયુ સાઇન કરવામાં આવશે. જાપાન તથા કોરિયન કંપનીઓ તેમજ તેના ફેડરેશન સાથે વાતચીત ચાલી રહી છે. સરકાર દ્વારા આપવામાં આવેલા પ્રોત્સાહક યોજનાથી રોકાણને ફરી વેગ મળશે.

FIAના પ્રમુખ પ્રકાશ વરમોરાના જણાવ્યા અનુસાર કેટલાક વર્ષોથી સરકાર ઔદ્યોગિક એકમોની માગ સ્વીકારવામાં પાછીપાની કરી રહી હતી તેનો સુખદ ઉકેલ આવ્યો છે. પરંતુ ઉદ્યોગોને લગતા પ્રશ્નોની અનેક રજૂઆતો એફઆઇએ પાસે આવી રહી છે આવા સમયે જો GIDC બોર્ડમાં એફઆઇએના બે પ્રતિનિધીની નિમણુંક કરી હોત તો સોનામાં સુગંધ ભળી શકે તેમ હતી.

વૈશ્વિક નાણાંકિય કટોકટી અને કોરોના વાયરસના કારણે ઓદ્યોગિક એકમો નાણાંકિય સંક્રમણથી પીડાઇ રહ્યાં છે. આ મહામંદીમાંથી ઉગારવા માટે જીઆઇડીસી દ્વારા વન ટાઇમ સેટલમેન્ટ સ્ક્રીમ ફરી અમલમાં આવે તેવી રજૂઆતો અગાઉ પણ કરી હતી જેનો ઉકેલ અંતે આવ્યો છે. ઉદ્યોગકારો જીઆઇડીસીના નાણા સમયસર ભરી શકતા ન હતા તેમજ અગાઉના બાકી હોય તેવા કિસ્સામાં દંડ-પેનલ્ટી લાગતી હતી આ ઉપરાંત વ્યાજ માફીની પણ યોજના અમલમાં આવી છે.FIAના સેક્રેટરી અજીત શાહના જણાવ્યા અનુસાર કોરોના મહામારીની પીડામાં 30-40 ટકા ઉદ્યોગો ઓક્સીજન પર હતા તેને આપવામાં આવેલ રાહતોથી બુસ્ટરડોઝ મળી જશે. ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ હિસ્સો 40 ટકા છે તે વધીને 45 ટકા સુધી પહોંચી શકશે. ગુજરાતમાં MSMEમાં નવા રોકાણને વેગ મળશે. જે ઉદ્યોગકારે ઉદ્યોગ માટે જમીન ખરીદી છે પરંતુ ઉદ્યોગ શરૂ નથી કર્યા તે ઉદ્યોગ શરૂ કરવા પ્રેરાશે.

 

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.