જિયો પ્લેટફોર્મ્સમાં ગલ્ફમાંથી બીજું રોકાણ આવ્યું, અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી રૂ. 5683.50 કરોડ રોકશે
અબુધાબીની ઈન્વેસ્ટમેન્ટ કંપની મુબાદલાએ હજુ શુક્રવારે રિલાયન્સના ડીજીટલ આર્મ્સ જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડમાં રૂ. 9093.6 કરોડના રોકાણની જાહેરાત કરી હતી તેના ત્રીજા જ દિવસે ગલ્ફના દેશમાંથી વધુ એક રોકાણ આવ્યું છે. આજે રવિવારે અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADIA)એ જિયો પ્લેટફોર્મ્સમાં રૂ. 5683.50 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. ગલ્ફના દેશમાંથી આવનારું આ બીજું રોકાણ છે. ADIAને આ રોકાણ માટે જિયો પ્લેટફોર્મ્સમાં 1.16%ની હિસ્સેદારી મળશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, મને આનંદ છે કે વિશ્વભરમાં ચાર દાયકાથી વધુ સમયનો રોકાણનો ટ્રેક રેકોર્ડ ધરાવતા ADIA તેના મિશનમાં જીયો પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરી રહ્યું છે. ભારત ડિજિટલ નેતૃત્વ માટે અને સર્વાંગી વિકાસની તકો ઉત્પન્ન કરે છે. આ રોકાણ અમારી સ્ટ્રેટેજી અને ભારતની ક્ષમતાને મજબૂત સમર્થન છે.
ADIAના પ્રાઈવેટ ઇક્વિટીઝ વિભાગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હમાદ શાહવાન અલ્દેહેરીએ જણાવ્યું કે, જીયો પ્લેટફોર્મ ભારતના ડિજિટલ ક્રાંતિમાં મોખરે છે. વ્યવસાયની ઝડપી વૃદ્ધિ કરી કંપનીએ ફક્ત ચાર વર્ષમાં પોતાને માર્કેટ લીડર તરીકે સ્થાપિત કરી છે અને વ્યૂહાત્મક અમલના મજબૂત ટ્રેક રેકોર્ડ પર બાંધવામાં આવી છે. જિયોમાં અમારું રોકાણ ADAIની વિશ્વમાં બજારમાં અગ્રણી કંપનીઓમાં રોકાણ કરવાની એની ઊંડી પ્રાદેશિક સમજણ અને જે તે ક્ષેત્રમાં કુશળતાને પ્રદર્શિત કરે છે.
જિયો પ્લેટફોર્મ્સમાં સૌથી પહેલું રોકાણ આ નાણાકીય વર્ષમાં 22 એપ્રિલે ફેસબૂકે રૂ. 43573.62 કરોડનું આવ્યું હતું. ત્યારથી લઇને અત્યાર સુધીમાં કંપનીએ કુલ 21.06% શેર ડાયલ્યુટ કરી રૂ. 97,885.65 કરોડનું રોકાણ મેળવ્યું છે. ફેસબૂક સિવાય સિલ્વર લેક, વિસ્ટા ઈક્વિટી, KKR, જનરલ એટલાન્ટિક, મુબાદલા અને હવે ADAIએ રોકાણ કરવાની જાહેરાત કરી છે.