GSTR-2માં નહીં દર્શાવાયેલી ITCનું રિફંડ મેળવી શકાશે નહીં
કેન્દ્ર સરકારે તાજેતરમાં નિર્ણય લીધો છે કે, જીએસટીઆર-2એમાં જે ક્રેડિટ ના દેખાતી હોય તે કરદાતાને નહીં અપાય. જીએસટીમાં કરદાતાએ ખરીદી ઉપર ચૂકવેલી આઇટીસીનું રિફંડ સરકારે નક્કી કરેલી સ્કીમ મુજબ મળી શકે છે, પરંતુ સરકારે પરિપત્ર કરીને આ રિફંડ જો જીએસટીઆર-2એમાં આઇટીસી દર્શાવેલી હોય તો મળે તેવો નિર્ણય કરતાં કરદાતા મુશ્કેલીમાં મુકાયા છે.
એક તરફ સરકાર નાના કરદાતાઓને ત્રિમાસિક રિટર્ન ભરવાની છૂટ આપી છે. તો બીજી તરફ નાના કરદાતાઓ પાસેથી કરેલી ખરીદીની આઇટીસી ત્રણથી ચાર મહિના બાદ જીએસટીઆર-2એમાં દેખાય છે, આથી આવી વ્યક્તિઓ પાસેથી કરવામાં આવતી ખરીદી જીએસટીઆર-2એમાં 3-4 મહિના સુધી ના દેખાતા કરદાતાઓ રિફંડ લઇ શકતા નથી. સરકારના આ પરિપત્રના કારણે નિકાસાકરો, ટેક્સટાઇલ, ફૂડ ઇન્ડસ્ટ્રી અને ફાર્મા ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો પડશે.
CA વિપુલ ખંધારના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલતો હતો કે ડાયરેક્ટરના પગાર પર જીએસટી લાગે કે નહીં. જેની સ્પષ્ટતા કરતાં કેન્દ્ર સરકારે પરિપત્ર કરીને જણાવ્યું કે, ડાયરેક્ટરના પગાર ભથ્થા પર જીએસટી લાગું નહીં પડે. સરકારના આ નિર્ણયથી શહેરમાં 2 લાખ કરતા વધારે ડાયરેકટરોને જીએસટી ભરવામાંથી મુક્તિ મળી છે. કેન્દ્ર સરકારે આની સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ડાયેરકટરના પગાર ભથ્થા પર જીએસટી લાગુ નહીં પડે પરંતુ ડાયરેક્ટરના પગાર ભથ્થા ઉપરાંત સીટિંગ ફી, પ્રોફેશનલ ફી અને અન્ય ચાર્જીસ લેતા હોય તેવા કિસ્સામાં તે રકમ ઉપર જીએસટી ભરવાની સંપૂર્ણ જવાબદારી કંપનીની રહેશે.