સોનું ૫૨૭૦૦ની સપાટીએ સ્થિરઃ ડોલર સામે રૂપિયો ૧૬ પૈસા નરમ

Business
Business

મુંબઇ,
વૈશ્વિક બજારમાં સોના ભાવ મક્કમ રહેતા સ્થાનિક બજારમાં વલણ એકંદરે મજબૂત હતુ. આજે અમદાવાદ બુલિયન બજારમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ દીઠ ૫૨,૭૦૦ રૂપિયાના ભાવે સ્થિર હતુ. જ્યારે ચાંદી આજે ૫૦૦ રૂપિયા સસ્તી થઇ હતી અને ૧ કિલોનો ભાવ ૬૨,૦૦૦ રૂપિયા થયો હતો.

અલબત દેશાવર બુલિયન બજારોમાં સોના-ચાંદી બંનેના ભાવ વધ્યા હતા. દિલ્હી બુલિયન માર્કેટમાં આજે સોનું ૧૮૮ રૂપિયા અને ચાંદી ૩૪૨ રૂપિયા મોંઘી થઇ હતી. જેના પગલે આજે ૧૦ ગ્રામ સોનાનો ભાવ વધીને ૫૧,૨૨૦ રૂપિયા અને ૧ કિગ્રા ચાંદીનો ભાવ ૬૨,૭૧૨ રૂપિયા થયો હતો. જ્યારે પાછલા વર્ષે બંને કિંમતી ધાતુઓના ભાવ અનુક્રમે ૫૧,૦૩૨ રૂપિયા અને ૬૨,૩૭૦ રૂપિયા બોલાયા હતા.

વૈશ્વિક બજારમાં આજે સોનું પાંચ ડોલરથી વધુના સુધારામાં ૧૯૦૭ ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયુ હતુ. તેવી જ રીતે ચાંદી પણ નજીવા સુધારામાં ૨૪.૩૫ ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયુ હતુ. અમેરિકામાં આગામી સપ્તાહે પ્રમુખપદની ચૂંટણી માટે મતદાન થવાનું છે આથી બંને કિંમતી ધાતુઓમાં આંતરપ્રવાહ એકંદરે મક્કમ છે. કારણ કે ચૂંટણી બાદ જ ત્યાં નવું આર્થિક રાહત પેકેજ થવાની સંભાવના છે.

આજે ફોરેક્સ માર્કેટમાં અમેરિકન ડોલર સામે રૂપિયો ૧૬ પૈસાની પીછેહઠમાં ૭૩.૮૭ના સ્તરે બંધ થયો હતો જેનું કારણ ભારતીય શેરબજારમાં આવેલી વેચવાલી છે. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી નજીક આવતા તેની કરન્સી ડોલર પણ મજબૂત થતા ભારતીય ચલણ પર દબાણ આવ્યુ હતુ. આજે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો પોઝિટિવ ગેપમાં ૭૩.૩૦ના સ્તરે ખૂલ્યો હતો અને ઉપરમાં ૭૩.૬૪ સુધી ગયો હતો. પરંતુ ભારતીય શેરબજારમાં મંદી આગળ ધપતા રૂપિયા પણ દબાણ આવ્યુ અને તે ગગડીને નીચામાં ૭૩.૯૩ સુધી ગયો હતો. સેશનના અંતે ડોલર સામે રૂપિયો ૧૬ પૈસાની નબળાઇમાં ૭૩.૮૭ના સ્તરે બંધ રહ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.