દિવાળીમાં સોના-ચાંદીના ભાવોમાં ભડકો, સોનાના વૈશ્વિક ભાવોએ ત્રણ મહિનાનો તોડ્યો રેકોર્ડ

Business
Business

દેશના ઝવેરી બજારોમાં દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે તેવા સમયે આજે સોના-ચાંદીના ભાવમાં ઝડપી તેજીની ચાલ જોવા મળતાં તથા ભાવ ઉછળતાં તહેવારોની મોસમી માગને અસર પડવાની ભીતિ વચ્ચે ઝવેરીબજારના વેપારીઓમાં ચિંતાની લાગણી આજે દેખાઈ હતી.

વિશ્વબજારમાં અમેરિકાની ચૂંટણી તથા તેના પછી પરીણામોની ગણતરીના માહોલમાં વ્યાપક અનિશ્ચિતતા તાજેતરમાં સર્જાતાં વૈશ્વિક સ્તરે સોના-ચાંદીના ભાવ ઉછળતાં તેના પગલે ઘરઆંગણે પણ ઝવેરીબજારમાં તેજીનો પવન ફુંકાતો જોવા મળ્યો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.

વિશ્વબજારમાં વિવિધ કરન્સીઓની બાસ્કેટ સામે આજે ડોલરનો ઈન્ડેક્સ ગબડી અઢી વર્ષના તળીયે ઉતરી ગયો હતો અને તેના પગલે સોનામાં ફંડોની લેવાલી વધ્યાના સમાચાર મળ્યા હતા. અમદાવાદ ઝવેરીબજારમાં આજે 10 ગ્રામ સોનાના ભાવ રૂ.900 ઉછળી 99.50ના રૂ.53,800 તથા 99.90ના રૂ.54,000 બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદી કિલોદીઠ આજે રૂ.3,500 ઉછળી રૂ.66 હજાર કુદાવી રૂ.66,500 બોલાઈ હતી.

વિશ્વબજાર ઉછળતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગઈ છે. અધુરામાં પુરૂં નાણા મંત્રાલયે આયાતકારો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જ દરો પણ વધારતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી પણ વધી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

વિશ્વબજારમાં આજે ઔંશદીઠ સોનાના ભાવ 1920 ડોલરથી ઉછળી મોડી સાંજે 1960 ડોલરને આંબી ગયા હતા. સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશદીઠ 24.67 ડોલરથી ઉંચકાઈ 25.71થી 25.72 ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા. ઘરઆંગણે મુંબઈ, દિલ્હી, કલકત્તા, ચેન્નાઈ સહિત વિવિધ શહેરોમાં ઝવેરીબજારો આજે તેજી તરફી રહ્યા હતા.

મુંબઈ બજારમાં જીએસટી વગર સોનાના ભાવ વધી 99.50ના રૂ.52300 તથા 99.90ના રૂ.52500 આસપાસ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર ઉછળી કિલોના રૂ.65750થી 65800 બોલાઈ રહ્યા હતા. વિશ્વબજારમાં પ્લેટીનમ વધી 900 ડોલરની ઉપર 911થી 912 ડોલર બોલાતું હતું. જ્યારે પેલેડીયમ વધી 2400ની ઉપર 2456થી 2457 ડોલર બોલાઈ રહ્યું હતું.

અમેરિકામાં બેરોજગારીના દાવા વધી સાડા સાત લાખની ઉપર જતાં તથા ત્યાં ઓક્ટોબરનો જોબગ્રોથ 6 લાખ 72 હજારથી ઘટી 6 લાખ 38 હજાર આવતાં તેના પગલે પણ વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ ગબડયો હતો સામે સોનામાં આગ ઝરતી તેજી આવી હતી. વિશ્વબજારમાં આ સપ્તાહ દરમિયાન સોનામાં આવેલો ભાવ ઉછાળો પાછલા ત્રણ મહિનાનો સૌથી મોટો વિકલી ભાવ ઉછાળો બતાવાઈ રહ્યો છે.

દરમિયાન, વિશ્વબજારમાં ડોલર ગબડતાં તથા ઘરઆંગણે શેરબજાર ઉછળતાં ઘરઆંગણે આજે કરન્સી બજારમાં ઈન્ટ્રા-ડે ટ્રેડિંગમાં રૂપિયા સામે ડોલરના ભાવ તૂટી રૂ.74ની અંદર ઉતર્યા પછી રૂ.74ની ઉપર બંધ રહ્યા હતા. સોના સામે વિશ્વબજારમાં બિટકોઈનના ભાવ પણ ઉછળયાના તથા ભાવ વધી 15500 ડોલર થયાની ચર્ચા વિશ્વબજારમાં આજે સંભળાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.