સોનું રૂ. 80,000 થવાની અપેક્ષા હતી એ હવે ઘટીને રૂ. 48 હજાર થઈ જવાની સંભાવના

Business
Business

ઓગસ્ટમાં સોનું 10 ગ્રામદીઠ રૂ. 56,000ની સર્વોચ્ચ સપાટીએ પહોચી ગયું ત્યારે એવા રિપોર્ટ આવતા હતા કે સોનું હવે રૂ. 80,000ની સપાટીએ પહોચી જશે, પરંતુ ડોલરની નબળી સ્થિતિ અને વૈશ્વિક સ્તરે કોરોના મહામારીની અસર ધીમે ધીમે ઘટી રહી છે. એને કારણે બુલિયનમાં રોકાણ ઓછું થતાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં ઘટાડો થઈ રહ્યો છે અને તેની પાછળ સ્થાનિક બજારમાં પણ એ સતત ઘટી રહ્યું છે. જાણકારો માને છે કે આવતા એકાદ મહિનામાં સોનું રૂ. 48,000 પ્રતિ દસ ગ્રામ થઈ શકે છે.

અમદાવાદ જ્વેલરી એસોસિયેશનના વાઈસ-પ્રેસિડેન્ટ જિગર સોનીએ જણાવ્યું હતું કે વૈશ્વિક બજારો પાછળ ઘરઆંગણે સોનાના ભાવ રૂ. 51,500ના સ્તરે પહોંચી ગયા છે. છેલ્લા એક સપ્તાહમાં તેમાં રૂ. 2500 જેટલો ઘટાડો થયો છે. ગત ગુરુવારે સોનું રૂ. 54,000 હતું. ભાવ ઘટતાં જ્વેલરી માર્કેટમાં થોડી ઘરાકી દેખાઈ રહી છે અને ભાવ વધુ ઘટશે એટલે ખાસ કરીને આવનારા તહેવારોમાં ડિમાંડ વધવાની ધારણા છે.

ઊંચા ભાવ ઉપરાંત અધિક માસના કારણે ઘરાકીમાં સુસ્તી અને સ્ટોકિસ્ટોની પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં હેજ ફંડ્સની વેચવાલી જોતાં નવી ખરીદીમાં સુસ્તી રહેતાં કીમતી ધાતુઓમાં વધ્યા મથાળેથી ઘટાડાની ચાલ જોવા મળી છે. આપકા ઈન્વેસ્ટમેન્ટના એમડી હિતેષ સોમાણીના મતે સોનું રૂ. 50000ની સપાટી તૂટે તો તેજીને બ્રેક લાગવા સાથે નીચામાં રૂ. 48000-49000 સુધી આવી શકે છે.

જ્વેલરી એસોસિયેશનના આશિષ ઝવેરીએ જણાવ્યું હતું કે કોરોના મહામારી વચ્ચે વૈશ્વિક બજારોમાં બુલિયનના ભાવમાં સતત વધારો થયો હતો. લોકડાઉન હતું અને બધું બંધ હતું તેવા સમયે ડિમાંડ ન હોવા છતાં પણ સોનામાં ભાવ વધ્યા હતા. હવે જ્યારે ઇન્ટરનેશનલ ગોલ્ડ નીચું આવ્યું છે ત્યારે ડોમેસ્ટિક માર્કેટમાં પણ સોનું નીચે જઈ રહ્યું છે. બુધવારે ઇન્ટરનેશનલ માર્કેટમાં મોટા રોકાણકારો ફરી સેફ હેવનમાંથી ઇક્વિટી તરફ ડાઇવર્ટ થઈ રહ્યાના સંકેતો વચ્ચે ઔંશદીઠ સોનું 23 ડોલરની નરમાઈ સાથે 1884 ડોલર થયું હતું.

ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ મિલવૂડ કેન ઇન્ટરનેશનલના CEO નિશ ભટ્ટે જણાવ્યું હતું કે સોનાના ભાવમાં ઘટાડો થવા પાછળનું મુખ્ય કારણ ડોલર ઈન્ડેક્સમાં તેજી છે. ડોલર ઇન્ડેક્સ બાસ્કેટમાં અન્ય ચલણની તુલનામાં 8 અઠવાડિયાંની ઊંચી સપાટીએ છે. ફેડના અધ્યક્ષે કોંગ્રેસને આપેલી જુબાનીમાં જણાવ્યું હતું કે વિકાસદરને ટકાવી રાખવા માટે વધુ સરકારી ખર્ચની જરૂર પડશે, કારણ કે વધુ રાહત નિર્ણાયક છે. સોનામાં ઘટાડો થવા પાછળનું એક કારણ યુરોપમાં બીજું લોકડાઉન થવાનો ભય પણ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.