લોકડાઉન દરમિયાન ગુજરાતમાં મોબાઈલ ડેટાનો રોજનો વપરાશ 2.30 કરોડ GBએ પહોચ્યો

Business
Business

કોરોનાને કાબુમાં લેવા લાગેલા લોકડાઉનના કારણે ગુજરાતમાં મોબાઈલ ડેટાના વપરાશમાં 21% વધારો થયો છે. દેશની અગ્રણી ટેલીકોમ કંપનીએ આપેલા ડેટા મુજબ માર્ચ મહિનામાં દૈનિક સરેરાશ 19,000 ટેરા બાઈટ (TB) મોબાઈલ 4G ડેટાનો વપરાશ થતો હતો. લોકડાઉન બાદ એપ્રિલ મહિનામાં વપરાશનો આંકડો 4000 TB વધીને 23,000 TB (2.30 કરોડ GB) પર પહોચી ગયો હતો. આ એવરેજ મે અને જૂનમાં પણ જળવાઈ રહી હતી. વોડાફોન આઈડિયાના ચીફ ટેકનોલોજી ઓફિસર વિશાંત વોરાએ જણાવ્યું હતું કે, મોબાઈલ ડેટાના વપરાશમાં આખા વર્ષમાં જેટલી વૃદ્ધિ થાય છે તેના કરતા પણ વધારે ગ્રોથ લોકડાઉન લાગ્યાના એક સપ્તાહમાં જોવા મળ્યો હતો.

વિશાંત વોરાએ જણાવ્યું હતું કે, અમે ગ્રામીણ ભારત સહિત દેશના દરેક ભાગમાંથી ઇન્ટરનેટ માંગમાં વધારો જોયો છે. અગાઉ દિવસ દરમિયાન કોમર્શિયલ અથવા તો ઓફિસ વિસ્તારમાં ડેટા કન્ઝમ્પશન વધારે રહેતું હતું. પરંતુ પરિસ્થિતિ બદલાતા રહેણાંકમાંથી ટ્રાફિક વધુ રહે છે. કારણ કે લોકો ઘરની અંદર રહે છે અને વધુ ડેટાનો ઉપયોગ કરે છે.

ટેલોકોમ ક્ષેત્રના જાણકારોના મતે, આ સમય દરમિયાન મોટાભાગના લોકો ઘરે હતા. વર્કિંગ ક્લાસ લોકો ઘરેથી કામ કરી રહ્યા હતા તેના કારણે મોબાઈલ ડેટાનો વપરાશ અચાનક વધી ગયો છે. ઓફિસનું કામ, મિટિંગ જેવી બાબતો આમાં મુખ્ય છે. આ સાથે જ સ્કુલ બંધ થતાં બાળકોના ઓનલાઈન શિક્ષણ માટે પણ ડેટાનો વપરાશ વધ્યો હતો.

ટેલીકોમ એક્સપર્ટ જણાવે છે કે, ટીવીમાં મનોરંજન ચેનલોમાં સિરીયલો બંધ થઇ જવાથી ઘણી મહિલાઓ, મોટા ભાગે હાઉસ વાઈફ અને યુવાનો ઓવર ધી ટોપ (OTT) પ્લેટફોર્મ તરફ વળ્યા છે જેના કારણે મોબાઈલ ડેટાનો વપરાશ એપ્રિલ-જુન દરમિયાન સરેરાશ રોજનો 22,800-23,000 TB પર પહોચી ગયો હતો. પરિવાર સાથે જોડવા માટે વિડીયો કોલિંગનું પ્રમાણ પણ વધ્યું છે જેના કારણે ડેટાનો વપરાશ વધ્યો છે.

ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ)એ થોડા દિવસો પહેલા મોબાઈલ સબસ્ક્રાઈબરના એપ્રિલ મહિનાના આંકડા જાહેર કર્યા છે. તે મુજબ ગુજરાતમાં મોબાઈલ સબસ્ક્રાઈબરની સંખ્યામાં 11.17 લાખનો ઘટાડો થયો છે. આ વર્ષે માર્ચમાં 6.79 કરોડ સબસ્ક્રાઈબરની સામે એપ્રિલમાં 6.68 કરોડ મોબાઈલ સબસ્ક્રાઈબર નોંધાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.