અદાણી ગ્રૂપ સામે ફરી સંકટ! USમાં આ મામલે તપાસ શરૂ
ગૌતમ અદાણીના અદાણી ગ્રૂપની મુશ્કેલીઓ ફરી એકવાર વધી શકે છે. ભારતમાં શેરબજારના રેગ્યુલેટર સેબી સુપ્રીમકોર્ટના આદેશ બાદ પહેલાથી જ અદાણી ગ્રૂપ વિરુદ્ધ તપાસ કરી રહી છે. શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ સામે આવ્યા બાદ અમેરિકી એજન્સીઓ હવે એ વાતની તપાસ કરી રહી છે કે અદાણી ગ્રૂપમાં રોકાણ કરનારા અમેરિકી રોકાણકારોને સમૂહે ડિસ્ક્લોઝરમાં કઈ માહિતીઓ શેર કરી છે. હિંડનબર્ગે અદાણી ગ્રૂપ પર વિદેશી કંપનીઓના માધ્યમથી ગ્રૂપની કંપનીઓના શેરોના ભાવમાં હેરફેર કરવાનો આરોપ મૂક્યો હતો.
અહેવાલ અનુસાર બ્રૂકલિન, ન્યુયોર્ક સ્થિત યુએસ એટોર્ની ઓફિસે તાજેતરના મહિનાઓમાં અદાણી ગ્રૂપના શેરોમાં મોટી માત્રામાં રોકાણ કરનાર ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટરને જાણકારી ઉપલબ્ધ કરાવવા કહ્યું છે. આ રોકાણકારોને સવાલ કરાયો છે કે અદાણી ગ્રૂપે રોકાણકારોને ડિસ્ક્લોઝરમાં શું માહિતી આપી હતી. અમેરિકાની સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન પણ એ જ રીતે તપાસ કરી રહી છે.
જોકે આ તપાસનો મતલબ એ નથી કે કોઈપણ પ્રકારનો સિવિલ કે ક્રિમિનલ કેસ દાખલ કરી કાર્યવાહી શરૂ કરાશે. અનેકવાર કાનૂની એજન્સીઓ પોતાની જ તરફથી તપાસ કરે છે જેમાં કોઈ કાર્યવાહી કરાતી નથી. આ અહેવાલ સામે આવ્યા બાદ હિંડનબર્ગ રિસર્ચના એન્ડરસને ટ્વિટ કરી કહ્યું કે અમેરિકાની બંને એજન્સીઓ અદાણી ગ્રૂપના રોકાણકારોના ડિસ્ક્લોઝરની તપાસ કરી રહી છે.
હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર લગાવવામાં આવેલા આરોપો બાદ અમેરિકન એજન્સીઓ દ્વારા અદાણી ગ્રૂપ વિશે જે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે તે ગ્રૂપ સામે દેખરેખ વધારવા તરફ ઈશારો કરી રહી છે. અદાણી જૂથ સામે અમેરિકન એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે અને જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
જો કે આ સમાચાર સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં ફરી એકવાર મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર 7.20 ટકા અથવા રૂ. 175 ઘટીને રૂ. 2244 પર ટ્રેડ થઈ રહ્યો હતો . અદાણી ટ્રાન્સમિશનના શેરમાં 5.31 ટકાનો ઘટાડો નોંધાયો હતો. અદાણી પોર્ટ્સ 3.92 ટકા અને અદાણી પાવર 4.19 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. અદાણી ટોટલ ગેસ 3 ટકા, અંબુજા સિમેન્ટ 3 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. અદાણી જૂથના માર્કેટ કેપમાં રૂ. 52,000 કરોડથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. અગાઉ, અદાણી જૂથમાં મોટો ઘટાડો 9 ફેબ્રુઆરી 2023 ના રોજ જોવા મળ્યો હતો જ્યારે જૂથના માર્કેટ કેપમાં રૂ. 59,538 કરોડનો ઘટાડો થયો હતો.