દેશના મુખ્ય પોર્ટ્સ પર એપ્રિલ-મે મહિનામાં કાર્ગો હેન્ડલિંગ 22% ઘટી 9.3 કરોડ ટન થયું, ચેન્નાઈ અને કોચીને સૌથી વધુ અસર થઇ
કોરોનાને ફેલાતો અટકાવવા લાગેલા લોકડાઉનના કારણે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં (એપ્રિલ અને મે), દેશના 12 મોટા બંદરો પર માલની અવર-જવર 22% ઘટીને 9.282 કરોડ ટન થઇ છે. ઇન્ડિયન પોર્ટ્સ એસોસિએશને (IPA) જણાવ્યું છે કે એક વર્ષ પહેલા સમાન ગાળામાં આ બંદરો પર 11.923 કરોડ ટન ગૂડ્સનું સંચાલન કરવામાં આવ્યું હતું.
ચેન્નાઈ, કોચી અને કામરાજાદર બંદરોને સૌથી વધુ અસર
પ્રથમ બે મહિનામાં ચેન્નાઈ, કોચી અને કામરાજાર બંદરો પર માલના પરિવહનમાં 40%થી વધુનો ઘટાડો થયો છે. તે જ સમયે, કોલકાતા અને JNPTમાં 30%થી વધુનો ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળ 12 મુખ્ય બંદરો છે. આ બંદરોમાં કંડલા, મુંબઇ-JNPT, મોર્મુગાવ, ન્યૂ મંગલૂરૂ, કોચી, ચેન્નાઈ, કામરાજાર (એન્નોર), વીઓ ચિદમ્બરમ, વિશાખાપટ્ટનમ, પેરાદીપ અને કોલકાતા (હલ્દિયા)નો સમાવેશ થાય છે. ગત નાણાકીય વર્ષમાં આ બંદરો પર કાર્ગોનું સંચાલન 70.5 કરોડ ટન હતું.
કામરાજાર બંદર પર પરિવહન 46% ઘટ્યું
IPAએ જણાવ્યું હતું કે, એપ્રિલ-મેમાં કામરાજાર બંદર પર કાર્ગો ટ્રાફિક 46% ઘટીને 32.2 લાખ ટન પર પહોંચી ગયો છે. ચેન્નાઈ બંદર પર કાર્ગો હેન્ડલિંગ 44.24% ઘટીને 45.6 લાખ ટન થયું છે. કોચી બંદર પર 40.14% ઘટી 34.1 લાખ ટન થયું છે. JNPTમાં તે 33.13% ઘટીને 80.2 લાખ ટન પર પહોંચી ગયું છે. કોલકાતા બંદરે માલનું પરિવહન 31.60% ઘટીને 73 લાખ ટન થયું છે.
કન્ટેનર બિઝનેસમાં ભારે અસર થઇ છે
લોકડાઉનથી કન્ટેનરના વેપાર પર ખૂબ જ ખરાબ અસર જોવા મળી હતી. ટ્વેન્ટી-ફુટ ઇક્વિલેંટ યુનિટ (TEU)ની દ્રષ્ટિએ, કન્ટેનર વેપારમાં 36.33%નો ઘટાડો થયો છે. થર્મલ કોલસાના વેપારમાં 35.94%નો ઘટાડો થયો છે. રેટિંગ એજન્સી ઇક્રાએ ગયા મહિને કહ્યું હતું કે લોકડાઉનથી તમામ કાર્ગો સેગમેન્ટો પર વિપરીત અસર થઈ શકે છે, પરંતુ કન્ટેનર સેગમેન્ટમાં ભારે અસર થવાની સંભાવના છે. રેટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર, સમગ્ર 2020-21 વ્યવસાય વર્ષમાં સામાન્ય કાર્ગોની હિલચાલમાં 5-8%નો ઘટાડો થઈ શકે છે, જ્યારે કન્ટેનર સેગમેન્ટમાં સમગ્ર વર્ષમાં 12-15% ઘટાડો થઈ શકે છે.