અમદાવાદ સહિત નાના શહેરોમાં કરિયાણાની ઓનલાઈન ખરિદી વધી; ગ્રોફર્સ, બીગ બાસ્કેટ સાથે 62% નવા લોકો જોડાયા
ઓનલાઇન કરિયાણાની ડિલિવરી સેવાના સંદર્ભમાં નાના શહેરો અને નગરોમાં ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો છે. લોકડાઉન દરમિયાન, નાના શહેરોમાં ગ્રાહકોમાં ઓનલાઇન ડિલિવરી તરફ વધુ વળ્યા હોવાનું જોવા મળ્યું છે. બિગ બાસ્કેટ, ગ્રોઅર્સ સહિતના ઓનલાઇન ગ્રોસરી પ્લેટફોર્મ અનુસાર, દેશવ્યાપી લોકડાઉન દરમિયાન મેટ્રો કરતા નાના શહેરોના ગ્રાહકોએ ઓનલાઇન માલ વધુ મંગાવ્યો છે. અમદાવાદ, જયપુર, નાસિક, ભોપાલ, હરિયાણા જેવા નોન-મેટ્રો શહેરોમાં ઓનલાઈન ખરીદીનું પ્રમાણ ઘણું જ વધ્યું છે.
કોવિડ-19 રોગચાળાને લીધે, ઘણાં સ્ટોર્સ બંધ છે અને જે ખુલ્લા છે ત્યાં ઘણી વસ્તુઓ પણ ઉપલબ્ધ નથી અથવા લોકો સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે બહાર જતા ડરતા હોય છે. આ કારણ છે કે ગ્રાહક તેની ખરીદીની પદ્ધતિમાં ફેરફાર કરવા માટે તૈયાર છે. બિગ બાસ્કેટના સહ-સ્થાપક હરિ મેનને જણાવ્યું હતું કે, જયપુર, અમદાવાદ, ઇન્દોર, ત્રિચી, સલેમ જેવા શહેરોમાં ગ્રાહકોની ખરીદીની પદ્ધતિમાં ફેરફાર જોવા મળ્યો છે. તેમણે જણાવ્યું છે કે માર્ચની તુલનામાં એપ્રિલમાં ટિયર-2 શહેરોમાં ઓનલાઈન કરિયાણાની ડિલિવરી સેવા 56% વધી છે, જ્યારે મહાનગરોમાં આશરે 35%નો વધારો થયો છે.
ગ્રોફર્સ અનુસાર, લોકડાઉન દરમિયાન લગભગ 62%થી વધુ નવા ગ્રાહકો જોડાયા છે. આમાં લગભગ 50% ગ્રાહકો એવા પણ છે જેમણે કરિયાણાની ઓનલાઈન ડિલિવરી સેવા પર લાંબા સમય માટે વિશ્વાસ મુકવાની તૈયારી બતાવી છે. ગ્રોફર્સના કો-ફાઉન્ડર અલબિન્દર ઢિંડસાએ જણાવ્યું કે, મોટાભાગના ગ્રાહકો કરિયાણાની ઓનલાઈન ડિલિવરી સેવાને પસંદ કરે છે. આ જ કારણ છે કે હાલમાં સ્વિગી, ઝોમાટો, શોપકિરાના, ડીલશેર અને શોપમેટિક જેવા અડધો ડઝન રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્ટાર્ટઅપ્સે કરિયાણાની ડિલિવરી માટે ઘણી કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. સ્વિગીનું માનવું છે કે છેલ્લા બે મહિનામાં તેણે 300 શહેરોમાં તેની કરિયાણાની ડિલિવરી સેવામાં વધારો કર્યો છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે મહાનગરો કરતા નાના શહેરોમાં ઓર્ડર વધુ મળી રહ્યા છે.