સ્ટેટ GST વિભાગે પાન-મસાલા અને તમાકુના 37 વેપારીઓ પર દરોડા પાડ્યા, લોકડાઉન દરમિયાન ઇ-વે બિલ જનરેટ કર્યા હતા
તાજેતરમાં ગુજરાત રાજયના સ્ટેટ GST વિભાગ દ્વારા રાજ્યના 16 જિલ્લાઓમાં પાન-મસાલા અને તમાકુના 37 વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. વિભાગના જણાવ્યા પ્રમાણે લોકડાઉન દરમિયાન આ વેપારીઓએ ઈ-વે બિલ જનરેટ કર્યા હતા જે દર્શાવે છે કે આ સમયગાળા દરમિયાન માલનું ખરીદ વેચાણ થયું છે. કરચોરીની દ્રષ્ટીએ આ ચીજ વસ્તુઓ સાંવેદનશીલ છે. હાલમાં સ્ટોકની ગણતરી અને હિસાબી સાહિત્યની ચકાસણી ચાલી રહેલ છે. તપાસ પૂર્ણ થયા પછી કરચોરીનો આંકડો જાની શકાશે.
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, સિદ્ધપુર, ડીસા, પાલનપુર, નડિયાદ, ભિલોડા, કાલોલ, વાપી, જામનગર, ભાવનગર, મોરબી, ગોધરા અને સુરેન્દ્રનગરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. વિભાગના અધિકારીઓ દ્વારા હાલમાં સ્ટોક કાઉન્ટિંગ અને એકાઉન્ટ બુકની તપાસ કરવામાં આવી રહી છે. સૌથી વધુ અમદાવાદમાં 13 વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.
લોકડાઉન દરમિયાન કરચોરીના આરોપસર વિભાગના અધિકારીઓ દ્વારા લગભગ 37 વેપારીઓના 57 ગોડાઉન અને દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. લોકડાઉન દરમિયાન સિગારેટ, પાન મસાલા અને અન્ય તમાકુ પેદાશો પ્રીમિયમ ભાવ પર વેચાયા હતા.