રિલાયન્સ રાઈટ્સ ઈશ્યૂ, મુકેશ અંબાણીને 5.52 લાખ શેર મળ્યા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના રૂ. 53,124 કરોડના રાઈટ્સ ઇશ્યૂમાંથી કંપનીના ચેરમેન મુકેશ અંબાણીને 5.52 લાખ શેર મળ્યા છે. ગુરુવારે કંપનીએ નિયમનકારી ફાઇલિંગમાં આ માહિતી આપી હતી. મુકેશ અંબાણી પાસે હવે RILના કુલ 80.52 લાખ શેર (0.12 ટકા) છે. રાઇટ્સ ઇશ્યૂ પહેલા મુકેશ અંબાણી પાસે કંપનીના 75 લાખ શેર હતા. રાઇટ્સ ઇશ્યૂમાં કુલ 42.26 કરોડ ઇક્વિટી શેર ફાળવવામાં આવ્યા છે. અંબાણીની પત્ની નીતા અને બાળકો ઇશા, આકાશ અને અનંતને 5.52-5.52 લાખ શેર મળ્યા છે. તેઓ તમામ ફર્મમાં અલગથી 0.12 ટકા હિસ્સો ધરાવે છે. રાઇટ્સ ઇશ્યૂમાં એકંદરે પ્રમોટર જૂથને 22.50 કરોડ શેર મળ્યા છે અને તેમનો હિસ્સો 50.29 ટકા છે. રાઇટ્સ ઇશ્યૂ પહેલા પ્રમોટર જૂથનો 50.07 ટકા હિસ્સો હતો.
ફાઇલિંગ મુજબ, રાજ્ય સંચાલિત વીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનને રાઇટ્સ ઇશ્યૂમાં 2.47 કરોડ શેર મળ્યા છે. હવે તેની શેરહોલ્ડિંગ વધીને 37.18 કરોડ શેર અથવા કુલ ઇક્વિટીના 6 ટકા થઈ ગઈ છે. સાર્વજનિક શેરધારકોને આ રાઇટ્સ ઇશ્યૂમાં કુલ 19.47 કરોડ શેર મળ્યા છે.
30 એપ્રિલના રોજ કંપનીએ રાઇટ્સ ઇશ્યૂ દ્વારા રૂ. 53,125 કરોડ એકત્ર કરવાની જાહેરાત કરી હતી. ઇશ્યૂ હેઠળ, 15 શેરદીઠ સામે એક શેર ઓફર કરવામાં આવ્યો હતો. ઇશ્યૂ અંતર્ગત, એક શેરની કિંમત રૂ. 1,257 રાખવામાં આવી હતી, જે 30 એપ્રિલના બંધ ભાવની તુલનામાં 14 ટકા ઓછી હતી.