રાજ્યમાં 21% વૃદ્ધિ સાથે 64 લાખ હેક્ટરમાં ખરીફ વાવણી સંપન્ન

Business
Business

વહેલા ચોમાસાના આગમનથી ખરીફ વાવેતરની કામગીરી પૂરજોશમાં શરૂ થઇ ચૂકી હતી પરંતુ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પહેલા રાઉન્ડમાં પણ યોગ્ય વરસાદ ન થવાના કારણે વાવેતર વિસ્તારો પર સંકટ તોળાઇ રહ્યું છે. જો આગામી એકાદ સપ્તાહમાં સારો વરસાદ નહિં થાય તો ફેર વાવેતરની સ્થિતી સર્જાશે. ગુજરાતમાં 20 જુલાઇ સુધીમાં કુલ વાવેતર વિસ્તાર 64.29 લાખ હેક્ટરમાં સંપન્ન થઇ ચૂક્યો છે જે સરેરાશ કુલ વાવેતરના 76 ટકા વિસ્તાર દર્શાવે છે. ગતવર્ષની તુલનાએ વાવેતર 21 ટકા વધ્યું છે. ગતવર્ષે આ સમયગાળામાં 53.13 લાખ હેક્ટરમાં વાવેતર રહ્યું હતું.

કુલ થયેલા વાવેતરમાં મગફળી અને કપાસ હેઠળનો વિસ્તાર જ 40 લાખ હેક્ટરથી વધુનો રહ્યો છે. મગફળીમાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યાં હોવાથી રેકોર્ડ બ્રેક 20.18 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે જે ગતવર્ષ કરતા સાત લાખ હેક્ટરમાં વધુ વાવેતર રહ્યું છે. તેનાથી વિપરીત કપાસ અને એરંડાના વાવેતરમાં ઘટાડો આવ્યો છે.

મગફળીમાં ખેડૂતોને મણદીઠ અત્યારે સરેરાશ 1000 થી 1200 સુધીના ભાવ મળી રહ્યાં છે જ્યારે કપાસના ખેડૂતોને મણ દીઠ રૂ.700-900ના ભાવ મળે છે જેના કારણે મગફળીના વાવેતરમાં જંગી વૃધ્ધિ થઇ છે. કપાસનું વાવેતર ગતવર્ષ કરતા એકાદ લાખ હેક્ટરમાં ઘટીને 21.48 લાખ હેક્ટરમાં રહ્યું છે. કપાસનું 25 લાખ હેક્ટરની અંદર રહી જાય તેવો અંદાજ છે. જ્યારે એરંડાના વાવેતર પણ ઘટી 23616 હેક્ટરમાં જ રહ્યું છે. સરેરાશ 83-85 લાખ હેક્ટરમાં ખરીફ સિઝનનું કુલ વાવેતર થાય છે જે આ વર્ષે વધીને 90 લાખ હેક્ટર સુધી પહોંચી જાય તેવો અંદાજ છે. બીજો અને અંતીમ રાઉન્ડ વરસાદનો સારો અને યોગ્ય સમયે રહેશે તો રેકોર્ડ બ્રેક ઉત્પાદન થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.