દેવું ઘટાડવા ટાટા પાવર અંદાજે રૂ. 1600 કરોડમાં તેના ત્રણ શિપ્સ જર્મનીની કંપનીને વેચશે
ટાટા પાવર કંપની લિમિટેડ (TPCL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની સિંગાપોર-સ્થિત ટ્રસ્ટ એનર્જી રિસોર્સીસ પ્રાઇવેટ લિમિટેડે (TERPL) 212.76 મિલિયન ડોલર (અંદાજે રૂ. 1600 કરોડ)ની અંદાજિત રકમ પર ત્રણ શિપના વેચાણ માટે જર્મનીની ઓલ્દેન્ડોર્ફ કેરિયર્સ GmbH એન્ડ કંપની KG સાથે નિર્ણાયક સમજૂતી કરી છે. આ નાણાકીય વ્યવહારોનો ઉદ્દેશ કંપનીની શિપિંગ જરૂરિયાતો માટે એસેટ-લાઇટ મોડલ ધરાવવાનો અને વેચાણમાંથી પ્રાપ્ત થનાર રકમનો ઉપયોગ કંપનીની સંપૂર્ણ પુનર્ગઠન યોજનાના ભાગરૂપે દેવું ઘટાડવા માટે થશે.
ટાટા પાવરના મેનેજીંગ ડિરેક્ટર પ્રવીર સિંહાએ કહ્યું હતું કે, આજે જાહેર થયેલી અમારી શિપિંગ એસેટનું વેચાણ અમારી ભવિષ્યની વૃદ્ધિલક્ષી યોજનાઓમાં રોકાણ કરવા ફંડ ઊભું કરવા અને ઋણ ઘટાડવાની યોજનાને સુસંગત છે, જેમાં રિન્યુએબલ એનર્જીના વ્યવસાયમાં અમારી કામગીરીનું વિસ્તરણ સામેલ છે. ટાટા પાવરની અંદર પુનર્ગઠનના ભાગરૂપે વેચાણ આગામી દાયકામાં વૃદ્ધિ માટે રોડમેપ બનાવશે.
આ વેચાણમાં જર્મનીની મેસર્સ ઓલ્દેન્ડોર્ફ કેરિયર્સ GmbH એન્ડ કંપની KG સાથે લાંબા ગાળાના કરાર સામેલ છે, જે દુનિયામાં સૌથી મોટી ડ્રાય-બલ્ક શિપિંગ કંપનીઓ પૈકીની એક છે. આ ત્રણ શિપ એમવી ટ્રસ્ટ એજિલિટી, એમવી ટ્રસ્ટ ઇન્ટિગ્રિટી અને એમવી ટ્રસ્ટ એમિટીનું વેચાણ આગામી ત્રણ ચાર અઠવાડિયામાં પૂર્ણ થવાની અપેક્ષા છે અને નિયમનકારકની મંજૂરીને આધિન છે. આ ત્રણ શિપની માલિકી TERPL છે.
કંપનીએ આ ત્રણ શીપની ખરીદી તેના ભારતમાં આવેલા પાવર પ્લાન્ટમાં કોલસાની સપ્લાય માટે કરી હતી. ટાટા પાવર ઇન્ડોનેશિયાથી કોલસાની આયાત કરે છે જેનો સૌથી વધુ ઉપયોગ ગુજરાતમાં મુન્દ્રામાં આવેલા તેના અલ્ટ્રા-મેગા પાવર પ્લાન્ટ માટે થાય છે. આ સિવાય દેશના અન્ય પ્લાન્ટ માટે પણ અહીંથી જ કોલસાની સપ્લાય થાય છે.