જિયો અને ગૂગલની ભાગીદારી ભારતીય બજારમાં ચાઈનીઝ સ્માર્ટફોનના પ્રભૂત્વને ખતમ કરી શકે છે

Business
Business

નવી દિલ્હી. ભારતના સ્માર્ટફોનના બજારમાં ચીનની કંપનીઓનું લાંબા સમય સુધી પ્રભૂત્વ રહ્યું છે. પણ હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના જિયો પ્લેટફોર્મ તથા અમેરિકાની અગ્રણી ટેકનોલોજી કંપની ગૂગલની ભાગીદારી બાદ બજારમાંથી ચીનની મોબાઈલ કંપનીઓના પ્રભૂત્વનો અંત આવી શકે છે. ગૂગલે ગયા સપ્તાહે જિયોમાં 4.5 અબજ ડોલર (આશરે 33 હજાર 600 કરોડ રૂપિયા) રોકાણ કરવાની જાહેરાત કરી હતી.

આ રકમ પૈકીનો કેટલીક રકમનો ઉપયોગ જિયો ખૂબ જ સસ્તા સ્માર્ટફોન તૈયાર કરવા કરશે. તેનાથી જિયો અને ગૂગલ દેશના એવા બજાર પર કબ્જો મેળવી શકે છે કે જ્યાં લોકો હજુ સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા નથી. આ લોકોની સંખ્યા 50 કરોડથી વધારે છે.

રિસર્ચ કંપની કેનાલિસના મતે એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં ભારતમાં વેચાયેલા સ્માર્ટફોનમાં ચીનની કંપનીનો હિસ્સો 75 ટકાથી વધારે રહ્યો. દક્ષિણ કોરિયાની સેમસંગનો હિસ્સો 17 ટકા રહ્યો. IDCના સિનિયર રિસર્ચ મેનેજર કિરણજીત કૌરે કહ્યું કે આ સંજોગોમાં જિયો અને ગૂગલનો સસ્તો સ્માર્ટફોન ચીનની સ્માર્ટફોન બનાવતી કંપનીઓ માટે પડકારરૂપ બની જશે.

જિયો અને ગૂગલના સ્માર્ટફોનને ભારતમાં ચીન વિરોધી જે જુવાળ ઉભો થયો છે તેનો લાભ મળશે. ભારત-ચીન સરહદ પર બન્ને દેશના સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપી બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે ટિકકોટ સહિત ચીનની 59 એપને ભારતમાં પ્રતિબંધ મુકી દીધો હતો. દરમિયાન ભારતમાં ચીનના ઉત્પાદનોનો ભારે વિરોધ થઈ રહ્યો છે.

કાઉન્ટપોઇન્ટ રિસર્ચના મતે ભારતના આશરે 45 કરોડ લોકો પાસે સ્માર્ટફોન છે. આશરે 50 કરોડ લોકોની પાસે અત્યાર સુધી સ્માર્ટફોન આવ્યો નથી. ગૂગલ અને જિયો એવા લોકો માટે ખૂબ જ સસ્તા સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવવા માગે છે.

જિયોની મુખ્ય કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ તાજેતરમાં જ કંપનીના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ગૂગલ સાથે ભાગીદારી કરવાનો મુખ્ય ઉદ્દેશ સસ્તા સ્માર્ટફોનનું ઉત્પાદન કરવાનો છે. કાઉન્ટરપોઇન્ટ રિસર્ચ અને EDCના વિશ્લેષણ પ્રમાણે સ્માર્ટફોનની પહોંચથી દૂર રહેલા લોકો સુધી તે પહોંચાડવા માટે જિયો-ગૂગલ રૂપિયા 4000ની કિંમતના સ્માર્ટફોન તૈયાર કરશે. અલબત તે થોડુ મુશ્કેલ જણાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.