(જી.એન.એસ) તા. 23
નવી દિલ્હી,
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના 22મા શપથ સમારોહ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે સૂચક સંબોધન કર્યુ છે. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાનની સેનાને 100 કિમી અંદર ઘુસીને ભારતીય સેનાએ પાઠ ભણાવ્યો હતો. તેમણે ‘ઓપરેશન સિંદૂર’ માટે ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, આખી દુનિયા હવે આપણા સશસ્ત્ર દળો અને તેમની પ્રહાર ક્ષમતાઓની પ્રશંસા કરી રહી છે.
22મા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના શપથ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે પોતાના સંબોધનમાં ઓપરેશન સિંદૂર અને આ ઓપરેશનમાં ભારતીય જવાનોએ કરેલ કાર્યવાહીની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે, પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા આપણા નિર્દોષ પર્યટકોને નિર્દયતાથી મારી નાખવામાં આવ્યા હતા ત્યારે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, આનો યોગ્ય જવાબ આપવામાં આવશે અને આજે તે જવાબ સ્પષ્ટ છે. આખી દુનિયા હવે આપણા સશસ્ત્ર દળો અને તેમની પ્રહાર ક્ષમતાઓની પ્રશંસા કરી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે, જ્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે, એક ફોર્સ સરહદ પર સુરક્ષા પૂરી પાડશે, ત્યારે BSF ને 2 સૌથી મુશ્કેલ સરહદો – બાંગ્લાદેશ અને પાકિસ્તાનની રક્ષા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તમારી ક્ષમતાઓને જોતાં તમે સરહદ પર ખૂબ સારી સુરક્ષા પૂરી પાડી છે.