ડીસા નજીક ભીલડી રેલવે ફાટક પર એક ગમખ્વાર અકસ્માતમાં ૨૦ વર્ષીય યુવાન પ્રવીણ પ્રહલાદજી ઠાકોર (રહે. જુનાનેસડા ગામ) ટ્રેનની અડફેટે આવતા તેના બંને પગ કપાઈ ગયા હતા. આ ઘટના શનિવારે બપોરના સુમારે બની હતી, અને ચોંકાવનારી વાત એ છે કે આ યુવકના બે દિવસ બાદ લગ્ન થવાના હતા. પ્રાથમિક વિગતો મુજબ, પ્રવીણ ઠાકોર ભીલડી રેલવે ફાટક પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક ટ્રેન આવી ચડતા તે તેની અડફેટે આવી ગયો હતો. આ અકસ્માતમાં તેને ગંભીર ઈજાઓ થતાં તેના બંને પગ કપાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા આસપાસના લોકો અને ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત પ્રવીણને તાત્કાલિક ૧૦૮ મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે, તેની ગંભીર હાલત જોતા વધુ સારવાર માટે તેને પાલનપુર રીફર કરવામાં આવ્યો હતો. પરંતુ કમનસીબે, પાલનપુર લઈ જતી વખતે રસ્તામાં જ યુવકે અંતિમ શ્વાસ લીધા હતા.આ ઘટનાથી પરિવારજનો અને ગામમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, મૃતક પ્રવીણના આગામી બે દિવસ બાદ જ લગ્ન યોજાવાના હતા. લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત પરિવાર પર આ દુઃખદ સમાચાર તૂટી પડતાં શોકનું મોજું ફરી વળ્યું છે.

- May 18, 2025
0
162
Less than a minute
You can share this post!
editor