કર્મચારીઓ હેડ કવાટર્સ પર હાજર રહેતા ન હોઈ આરોગ્ય સેવા કથળી હોવાની રાવ
સરહદી બનાસકાંઠા જિલ્લામાં સેનાપતિ વગરના લશ્કરની જેમ ઇન્ચાર્જ આરોગ્ય અધિકારીના રાજમાં આરોગ્ય તંત્ર લકવાગ્રસ્ત બન્યું હોવા ની રાવ ઉઠી છે. જિલ્લામાં મોટા ભાગ ના તાલુકાઓમાં પી.એચ.સી.માં ફરજ બજાવતા બોન્ડેડ તબીબો તગડો પગાર લેતા હોવા છતાં ફરજમાં ગુલ્લી મારી અઠવાડિયે એક દિવસ દેખા દેતા હોવાની રાવ ઉઠી છે. નિરંકુશ બનેલા આરોગ્ય વિભાગમાં કર્મચારીઓ નિયમિત ફરજ પર આવતા ન હોવાની સાથે હેડકવાટર્સ પર હાજર રહેતા ન હોઈ જિલ્લામાં આરોગ્ય સેવા કથળી હોવાની ફરિયાદો ઉઠી છે.
બનાસકાંઠા જિલ્લામાં ઈન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના રાજમાં આરોગ્ય સેવાઓ કથળી હોવાની બુમરાણ મચી છે. જિલ્લાના દાંતા, અમીરગઢ, લાખણી, ડીસા, સુઇગામ, વાવ, થરાદ સહિતના તાલુકાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ફરજ બજાવતા બોન્ડેડ ડૉક્ટરો મહિને દહાડે રૂ.75,000 જેટલો તગડો પગાર વસુલતા હોવા છતાં ફરજમાં ગુલ્લી મારતા હોવાની રાવ ઉઠી છે. જેમાં તાલુકા આરોગ્ય અધિકારીઓ સાથેની મિલીભગત થકી આ તબીબો અઠવાડિયે એક દિવસ ડોકાઈને પુરા મહિનાનો પગાર લેતાં હોવાની બુમરાણ મચી છે.
આ ઉપરાંત જિલ્લાભરમાં નિરંકુશ વહીવટને પગલે કેટલાક આરોગ્યકર્મી ઓ બેફામ બની મનસ્વી રીતે વર્તી રહ્યા હોવાની ચર્ચાએ પણ વેગ પકડ્યો છે. જેમાં હેડકવાટર્સ પર હાજર ન રહી ફરજ પર પણ નિયમિત ન આવતા હોઇ આવા આરોગ્ય કેન્દ્રો પટાવાળાઓને હવાલે ચાલતા હોઈ સરકારની આરોગ્યલક્ષી સેવાઓનો લાભ અંતરિયાળ વિસ્તારના પ્રજાજનોને મળતો ન હોઈ સરકાર સાથે આરોગ્ય તંત્રની પણ બદનામી થઈ રહી છે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ બનાસકાંઠા જિલ્લાના ખાઈબદેલા આરોગ્ય વિભાગને દુરસ્ત કરે તેવી માંગ ઉઠી છે.