- ૨૧ નિર્દોષ લોકોમાં માસૂમ બાળકો અને મહિલાઓનો સમાવેશ
- ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ: ૨૧ના મોત
- મોતનું ગોડાઉન -વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ગોડાઉનના ધાબાની છત તૂટી પડી
- માનવ અંગો દૂર સુધી ફંગોળાયા: છત હેઠળ દટાયેલા મજૂરોની લાશો સાંજ સુધી બહાર કાઢવામાં આવી
બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ઢુવા નજીક મંજૂરી વગરના ફટાકડાના ગોડાઉનમાં બોઈલર ફાટવાથી ૨૧ જિંદગીઓ હોમાઈ ગઈ છે, બનાસકાંઠાનાં વહીવટી તંત્રની ઘોર બેદરકારીના લીધે આજે બનાસની ધરા સમગ્ર ગુજરાતમાં શર્મશાર થવા પામી છે.
સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીએ તો, બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડીસાના ઢુવા રોડ પર મંજૂરી વગર ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થતા ૨૧ મજૂરોના મોત થયા હતા. જ્યારે ૫ મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે મજૂરોના માનવ અંગો અને માંસના લોચા દૂર દૂર સુધી ઉડીને પડયા હતા. જ્યારે ગોડાઉનની આરસીસીથી ભરેલી છત તૂટી પડતા મજૂરો દટાઈ જતા સાંજ સુધી લાશો બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી.
ડીસાના ઢુવા રોડ પર જીઆઇડીસીની બહાર દિપક ટ્રેડર્સ નામનું ફટાકડાનું ગોડાઉન આવેલું છે. ગોડાઉનના માલિક ખૂબચંદભાઈ મોહનાની તેમજ દીપક મોહનાની દ્વારા ફટાકડા રાખવાના ગોડાઉનની આડમાં ફટાકડા ઉત્પાદન કરવાની પ્રવૃત્તિ કોઈપણ જાતની તંત્રની મંજૂરી વગર શરૂ કરવામાં આવી હતી. હોળી- ધુળેટીના તહેવાર બાદ તાજેતરમાં જ મધ્યપ્રદેશથી ૨૫ જેટલા મજૂરો ફેક્ટરીમાં આવ્યા હતા અને ફટાકડા બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી ત્યારે મંગળવારે સવારે દસેક વાગ્યાના સુમારે ફટાકડા બનાવવાના વિસ્ફોટક પદાર્થમાં સામાન્ય આગ લાગતા મજૂરો દોડધામ કરે કે કાંઈ વિચારે તે અગાઉ તુરંત જ પ્રચંડ વિસ્ફોટ થયો હતો. ધડાકાનો અવાજ આજુબાજુના ત્રણ કિલોમીટર સુધીના વિસ્તારમાં સંભળાયો હતો. જ્યારે ફેક્ટરીના ગોડાઉનનું ધાબુ તૂટી પડયું હતું. જેમાં વિસ્ફોટથી ઘાયલ થયેલા મજૂરો દટાઈ ગયા હતા.
આ ઘટનાની જાણ થતાં ડીસા નગરપાલિકાના ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી.જ્યારે પોલીસ તંત્ર વહીવટી તંત્ર તેમજ સ્ટેટ ડિઝાસ્ટર રીલીફ ફોર્સ (એસડીઆરએફ) દોડી આવી કાટમાળ હટાવી એક બાદ એક મજૂરોની લાશ કાઢતા સાંજે ચાર વાગ્યા સુધીમાં ૨૧ મજૂરોની લાશ બહાર કાઢવામાં આવી હતી.
મંજૂરી વગર ધમધમતી હતી ફેક્ટરી
ઉત્તર ગુજરાતમાં ફટાકડાના કિંગ ગણાતા ખૂબચંદ સિંધી (મોહનાની) અને તેમનો દીકરો દિપક સિંધી છેલ્લા ઘણા વર્ષોથી ફટાકડાનો મોટા પાયે વેપાર કરે છે. તેઓ અગાઉ શિવાકાશી ખાતે જાતે જ પોતાની પ્રોડક્ટના ફટાકડા બનાવડાતા હતા. જ્યારે ચાલુ વર્ષે તેઓનું ફટાકડા વેચવાનું લાઇસન્સ રીન્યુ થયું ન હતું. તેમ છતાં કોઈપણ પ્રકારની પરવા કર્યા વગર તેઓએ ફટાકડા બનાવવાની ફેક્ટરી ધમધમતી કરી દીધી હતી. જે બાબત વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સૂચવે છે અને તેના કારણે જ ૨૧ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે માંસના લોચા ઉડયા
વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે મજૂરોના માનવ અંગો તેમજ માંસના લોચા ૨૦૦ ફૂટ દૂર સુધી ખેતરોમાં ઉડયા હતા. જ્યારે ગોડાઉનનો આરસીસી સ્લેબ પણ તૂટી પડયો હતો અને બાજુની ફેક્ટરીની દિવાલ પણ ધરાશયી થઈ જવા પામી હતી. આરસીસીના મોટા સ્લેબ પણ ૩૦૦ ફૂટ દૂર સુધી ઉડયા હતા.
પોલીસે નેગેટિવ અભિપ્રાય આપ્યો તો ગોડાઉન સિલ કેમ નહોતું કરાયું?
ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટની ઘટના બાદ વહીવટી તંત્રની ગંભીર બેદરકારી બહાર આવી છે. જેમાં ફટાકડાના સ્ટોરેજ માટે લાઇસન્સ રીન્યુ કરવાની અરજી માલિક દ્વારા ડીસાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ આપતા એસડીએમ દ્વારા પોલીસનો અભિપ્રાય માંગવામાં આવતા પોલીસ તંત્રએ નેગેટિવ અભિપ્રાય આપ્યો હતો. અને ફટાકડા વેચાણની કે રાખવાની રીન્યુ અરજી મંજૂર કરી ન હતી તેમ છતાં ફટાકડાનું ગોડાઉન પણ બિન્દાસ રીતે ધમધમતું હતું અને ફટાકડા બનાવવાની ફેક્ટરી પણ ધમધમતી થઈ હતી. આ બાબતથી વહીવટી તંત્રની ગંભીર બેદરકારી કે મીલી ભગત દર્શાવે છે. જો તેનું લાઇસન્સ રીન્યુ નહોતું થયું તો ગોડાઉનને સીલ મારવામાં કેમ ન આવ્યું ? તે મોટો સવાલ ઉભો થયો છે.
કલેકટર કહે છે બ્લાસ્ટ થયો હતો અને એસપી કહે છે કોઈ બ્લાસ્ટ થયો નથી, તો કોણ સાચું અને કોણ ખોટું?
ડીસાની દુર્ઘટનાને લઈ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હેબતાઈ ગયા છે અને અલગ અલગ નિવેદનો કરી ઘટના પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જિલ્લા કલેકટર મિહિર પટેલે આ ઘટનામાં બ્લાસ્ટ થવાથી લોકોના મોત નીપજ્યા તેમ જણાવ્યું હતું. જ્યારે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ અહીં કોઈ પ્રકારનો બ્લાસ્ટ થયો નથી પરંતુ ધાબાનો સ્લેબ પડવાથી દટાઈ જવાથી મૃત્યુ થયા હોવાનું નિવેદન આપી તંત્રનો લૂલો બચાવ કર્યો હતો. જોકે કાટમાળમાંથી બહાર કઢાયેલી લાશો જોતા ફટાકડા બનાવવાના વિસ્ફોટક પદાર્થનો પ્રચંડ વિસ્ફોટ થયો હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે.
રાજ્ય સરકાર દ્વારા મૃતક પરિવારોને સહાય અપાશે
ઘટના બનતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, રાજ્યના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત, ધારાસભ્યો પ્રવીણ માળી, કેશાજી ચૌહાણ, અનિકેત ઠાકર સહિત આગેવાનો દોડી આવ્યા હતા અને ઘટના સ્થળ તેમજ ડીસા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આ ઘટનામાં જવાબદાર કોઈને પણ છોડવામાં આવશે નહીં. તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ જ મૃતક પરિવારોને સરકાર દ્વારા સહાય આપવામાં આવશે.
આખરે ક્યારે અટકશે આવી દુઃખદ ઘટનાઓ?
ક્યારેક સુરત તક્ષશીલા, ક્યારેક વડોદરા હરણીકાંડ, ક્યારેક સુરત ગેમ ઝોન તો ક્યારેક ડીસા મોતનું ગોડાઉન, ક્યાંક સેફ્ટીનો અભાવ, ક્યાંક મંજૂરીનો અભાવ, ક્યાંક તંત્રની ઘોર લાપરવાહી વગેરેને લીધે દર વખતે માસૂમ ગરીબ લોકો મોતને ભેટતા હોય છે અને તંત્રનાં પેટનું પાણી પણ હલતું નથી? આખરે આવું ક્યા સુધી ચાલતું રહેશે? તેવા ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે.
મૃતકોના પરિજનને રૂ. ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. ૫૦,૦૦૦ ની સહાય કરશે
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાના લીધે શ્રમિકોના મૃત્યુની ઘટના હૃદયદ્રાવક છે. દુઃખની આ ઘડીમાં મારી આત્મીય સંવેદના મૃતકોના સ્વજનોની સાથે છે. આ દુર્ઘટનામાં રાહત-બચાવ અને સારવારની કામગીરીને લઈને હું વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું. ઈજાગ્રસ્તોને ઝડપથી યોગ્ય સારવાર મળે તે સુનિશ્ચિત કરવાની સૂચના તંત્રને આપી છે. રાજ્ય સરકાર મૃતકોના પરિજનને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦,૦૦૦ ની સહાય કરશે. ઈશ્વર મૃતક શ્રમિકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તોને સત્વરે સાજા કરે તેવી પ્રાર્થના કરું છું.
“નિર્દોષોના મોત પર રાજનીતિ શરૂ”
આ ઘટના અક્ષમ્ય: શંકરભાઈ ચૌધરી
વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ડીસા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. મજૂરી કરતા લોકોએ પોતાના અમૂલ્ય જીવ ગુમાવ્યા છે. ઇજાગ્રસ્તોની સારવાર માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ માફ કરી શકાય એવી ઘટના નથી. રાજ્ય સરકાર દોષીતો સામે કાયદેસરનાં પગલાં લેશે.
ફાયર સેફટીના નામે ભ્રષ્ટાચાર: શક્તિસિંહ ગોહિલ
રઆ અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે સુરત, રાજકોટ બાદ હવે બનાસકાંઠામાં આગમાં ઘણા લોકોના મોત થયા છે.ભાજપ સરકાર ફાયર સેફ્ટીના નામે ભ્રષ્ટાચાર કરી રહી છે અને પૈસા માટે ખોટા ફાયર સેફ્ટી સર્ટિફિકેટ આપી રહી છે. જેના કારણે આવી ઘટનાઓ બની રહી છે. કોઈના મૃત્યુ પછી વળતર આપવાથી તેના પરિવારની સ્થિતિમાં કોઈ સુધારો થશે નહીં. આવા અકસ્માતોમાં ફક્ત કામદારો જ મૃત્યુ પામે છે. પીડિત પરિવારોને યોગ્ય નાણાકીય વળતર મળે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે.
માલિક અને સંચાલકો ફરાર
ગેરકાયદેસર રીતે જીવતા બૉમ્બ સમાન ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગની ઘટનામાં મોટાભાગના મધ્યપ્રદેશના મજૂરોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.જેમાં કેટલાક મજૂરો જાણે મોત પોકારતું હોય તેમ બે દિવસ પહેલાં જ અહીં મજૂરીકામ માટે આવ્યા હતા.જો કે દુર્ઘટના બાદ માલિક અને સંચાલકો ફરાર થઈ ગયા હતા.
આગ કેવી રીતે લાગી ?
મળતી માહિતી મુજબ આ ગોડાઉનમાં રાખેલા એક બોઇલરમાં વિસ્ફોટ થયો હતો. જેને પગલે ફેક્ટરી આગની લપેટમાં આવી હતી. પણ અહી મુદ્દો એ છે કે, ફટાકડાની ફેકટરીમાં બોઇલર કેમ રાખ્યું હતું ? એ પણ તપાસનો વિષય છે.
સહાય નહી છોકરા પરત આપો: પરીવારોનું આક્રંદ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મૃતકોને ૪ લાખ અને ઘાયલોને ૫૦ હજારની સહાય આપવાની જાહેરાત કરી છે. પરંતુ ૪ લાખની સહાય સામે મૃતકોના પરિવારજનો નારાજ છે. તેઓએ જણાવ્યું કે, ૪ લાખ ભેગા કરી અમે ગરીબ માણસો સરકારને આપી દઇએ, પણ અમારા યુવાન છોકરાઓ પરત આપો.
મૃતક શ્રમિકોની આત્માને શાંતિ માટે આજે રખેવાળ દ્વારા શોક સભાનું આયોજન
ડીસા ઢુવા રોડ પર ગઈકાલે ફટાકડાની ફેક્ટરીમાં ગઈકાલે બ્લાસ્ટના કારણે ર૧ શ્રમિકોના મૃત્યુની ઘટનાએ સૌ કોઈના કાળજા કંપાવી ગઈ છે. આ દુઃખદ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતાત્માઓ પ્રત્યે રખેવાળ આત્મીય સંવેદના વ્યક્ત કરે છે. મૃતક શ્રમિકોના આત્માને શાંતિ મળે તે માટે રખેવાળ દ્વારા આજરોજ સાંજે સરદારબાગ આગળ શોક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જે શોક સભા રખેવાળ પ્લસના માધ્યમથી લાઈવ બતાવવામાં આવશે.
જૈન સમાજ દ્વારા પૂજ્ય ગુરૂ ભગવંતોનું સામૈયું સાદાઈથી કરવાનો નિર્ણય
ડીસા ઢુવા રોડ પર ગઈકાલે ફટાકડા બનાવતી ફેક્ટરીમાં બોઈલર ફાટવાથી થયેલ બ્લાસ્ટના કારણે ર૧ જેટલા શ્રમિકોના મોત થયાની કાળજું કંપાવનારી ઘટના બની છે. ત્યારે આજે ડીસા ખાતે એક માસ માટે જૈન સમાજના પૂજ્ય ગુરૂ ભગવંતોની પધરામણી થનાર છે જેથી જૈન સમાજ દ્વારા પૂજ્યશ્રીઓના ભવ્ય સામૈયાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ દુખદ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ સંવેદનશીલ જૈન સમાજે પૂજ્ય ગુરૂ ભગવંતોનું સામૈયું સાદાઈથી કરવાનો નિર્ણય કર્યો છે.