હુમલામાં એક જ પરિવારના સાત સભ્યો ઘવાયા; ડીસા તાલુકાના રાજપુર સ્થિત ગવાડી અમન પાર્ક સોસાયટીમાં ગુરુવારે બપોરે ઘરના પાણીના મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં મહિલાઓ સહિત અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હુમલાખોરોએ એક જ પરિવારના સાત સભ્યો પર ઈંટો અને ધારિયા જેવા હથિયારો વડે હુમલો કરતાં તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમન પાર્ક સોસાયટીમાં રહેતા એક પરિવારના ઘરનું પાણી રસ્તા પર ભરાયું હતું. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક રિક્ષા ચાલકની રિક્ષા પર આ ગંદુ પાણી ઉડતા તેણે ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. જે ઘરમાંથી પાણી આવ્યું હતું. તે ઘરના લોકોએ રિક્ષા ચાલકને ઠપકો આપતા મામલો વધુ ગરમાયો હતો. આ પછી રિક્ષા ચાલક અને સામેવાળા ઘરના લોકોએ બહારથી માણસો બોલાવ્યા હતા, જેઓ ધારિયા જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા અને હુમલો કર્યો હતો. આ હિંસક અથડામણમાં જે પરિવારનું પાણી રસ્તા પર આવ્યું હતું તે પરિવારના તમામ સભ્યોને માર મારવામાં આવ્યો હતો. હુમલાખોરોએ મહિલાઓના વાળ પકડીને તેમને ઢસડ્યા હતા અને કાનમાં પહેરેલા દાગીના પણ ઝૂંટવી લીધા હતા, જેના કારણે તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
મહત્વની વાત એ છે કે હુમલાનો ભોગ બનેલો પરિવાર એક નિવૃત્ત આર્મી જવાનનો છે. ઇજાગ્રસ્ત પરિવારે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સામેવાળા ઘરમાં ભાડાના લુખ્ખાઓ અને અસામાજિક તત્વોને ગેરકાયદેસર રીતે રાખવામાં આવે છે. આ ઘટનાને પગલે અમન પાર્ક સોસાયટીમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ પોલીસ પાસે આ મામલે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી આવા અસામાજિક તત્વો પર લગામ લાવી શકાય અને સોસાયટીમાં શાંતિ જળવાઈ રહે. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આગળની તપાસ હાથ ધરી છે.