સાબરકાંઠા જિલ્લામાં રક્તદાન અભિયાન અંતર્ગત ચિત્રોડા અને આંતરસુબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય વિભાગે 310 કેમ્પનું લક્ષ્યાંક નક્કી કર્યો છે. ઈડરના ચિત્રોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હિંમતનગર રેડક્રોસ સોસાયટી અને ગ્રામજનોના સહયોગથી 11 યુનિટ રક્તદાન એકત્ર થયું. આ રક્ત સગર્ભા માતાઓ, સિકલસેલ, થેલેસેમિયા અને કેન્સર ધરાવતા બાળકો માટે ઉપયોગમાં લેવાશે.વિજયનગરના આંતરસુબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં CDHO ડૉ. રાજ સુતરીયા અને THO ડૉ. પ્રવીણ અસારીની હાજરીમાં 32 યુનિટ રક્તદાન એકત્ર થયું. ઈડરની ત્રિમૂર્તિ વોલન્ટરી બ્લડ સેન્ટરે સહયોગ આપ્યો હતો.
આદિવાસી વિસ્તારમાં સ્ટાફે રક્તદાનના મહત્વ વિશે જાગૃતિ ફેલાવી.જિલ્લામાં કુલ 10 કેમ્પમાં 210 યુનિટ રક્તદાન એકત્ર થયું છે. આગામી સમયમાં સામાજિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી વધુ કેમ્પનું આયોજન કરાશે. રક્તદાન કરવા ઇચ્છતા લોકો કેમ્પ સ્થળે અથવા જિલ્લાની બ્લડ બેંકમાં રક્તદાન કરી શકે છે.