જિલ્લા ભાજપ પ્રમુખની પસંદગી પ્રદેશ કક્ષાએથી થશે: બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખપદ માટેની કવાયતના ભાગ રૂપે ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે ચડોતર સ્થિત કમલમ ખાતે હાથ ધરાઈ હતી. જેમાં 70 જેટલા ફોર્મ ભરાયા હતા. ફોર્મ ભરાયા બાદ તેની ચકાસણી કરાયા બાદ સંકલન સમિતિમાં ચર્ચા કરી સંભવિતો ના નામ પ્રદેશ કક્ષાએ જશે. જ્યાંથી જિલ્લાના પ્રમુખનું નામ જાહેર કરાશે.
પાલનપુરના ચડોતર ખાતે આવેલ કમલમ ખાતે અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય જગદીશભાઈ પટેલ તેમજ બનાસકાંઠા ચૂંટણી સહ સહાયક વિશાલભાઈ પટેલ અને વિનયસિંહ ઝાલાની ઉપસ્થિતમાં આજે જિલ્લા ભાજપ પ્રમુખપદ માટે ઉમેદવારીફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ બનવાની ઈચ્છા ધરાવનાર જિલ્લાના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. જ્યાં ઉમેદવારોના ફોર્મ સ્વીકાર્યા બાદ ભાજપ દ્વારા સંકલનની બેઠક યોજાશે. જેમાં ક્ષતિવાળા ફોર્મ ઉપર નિર્ણય કરાઈને બાકીના માન્ય ફોર્મ નિરીક્ષકો પ્રદેશ કક્ષાએ મોકલશે. પ્રદેશ કક્ષાએથી જ નવા ભાજપ પ્રમુખના નામ ઉપર મંજૂરીની મહોર મારવામાં આવશે. જિલ્લા ના વિભાજન થયા બાદ એક પ્રમુખની નિયુક્તિ કરાશે કે બે પ્રમુખની નિયુક્તિ કરાશે તે પ્રદેશ કક્ષાએથી નક્કી કરાશે તેવું પ્રદેશ નિરીક્ષક એવમ પૂર્વ ધારાસભ્ય
જગદીશ પટેલે જણાવ્યું હતું: જિલ્લા ભાજપ પ્રમુખપદના ફોર્મ ભરવાની પ્રક્રિયા પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૉધરી, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા, પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ, બનાસબેન્કના પૂર્વ ચેરમેન સવસિંહભાઈ ચૉધરી, મગનલાલ માળી, પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેશા, કુમુદબેન જોશી સહિતના અનેક નેતાઓ અને દાવેદારો પહોંચ્યા હતા.