ગેરકાનૂની લક્કી ડ્રોનો આયોજક લાજવાના બદલે ગાજે છે,આગથળા પોલીસ મથકે વધુ એક ફરિયાદ
બનાસકાંઠા જિલ્લાની પોલીસ અને પત્રકારોને બદનામ કરવાનું ષડયંત્ર; બનાસકાંઠા જિલ્લામાં ગેરકાનૂની લક્કી ડ્રોનો મુખ્ય સૂત્રધાર અશોક માળી અને તેના ભાગીદારોને ગેરકાનૂની લક્કી ડ્રો બંધ થતા લાખો-કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. જેના કારણે રઘવાયો થયેલો અશોક માળી હવે અવનવા ષડયંત્ર કરીને પોલીસ અને પત્રકારોને બદનામ કરવાના કાવતરા કરી રહ્યો છે. જેના વિરુદ્ધ પણ રજુઆત કરવામાં આવનાર છે.
ઇમોશનલ બ્લેકમેલ કરવા માટે આત્મહત્યા કરવાની ધમકી; ગેરકાનૂની લક્કી ડ્રોનું આયોજન કરીને લાખો-કરોડો રૂપિયાની કમાણી કરનાર અશોક માળી અને તેની ટિમ હવે રઘવાઈ થઈ છે. એટલે તેમની કરમ કુંડળી ખોલનારાઓને ચિઠ્ઠી લખીને કેનાલમાં આત્મહત્યા કરવાની ઇમોશનલ બ્લેકમેલની ધમકી આપી રહ્યો છે.
થરાદ ડી.વાય.એસ.પી. ની તાકાત હોય તો મને ફાંસી આપી દે એવી ડંફાશ; ગેરકાનૂની કામ કરતા અશોક માળી વિરુદ્ધ થરાદ ડી.વાય.એસ.પી. એસ.એમ.વારોતરિયાએ જાતે ફરિયાદી બનીને ગુનો દાખલ કર્યો છે. અન્ય ગુના પણ દાખલ થયા છે. જેના કારણે અશોક માળીનો ગેરકાનૂની ધંધો બંધ થઈ ગયો છે એટલે હવે એ થરાદ ડી.વાય.એસ.પી. ને ચેલેન્જ કરીને કહી રહ્યો છે કે ડી.વાય.એ.પી. ની તાકાત હોય તો મને ફાંસી આપી દે…એવી ડંફાશ મારીને ઉચ્ચ પોલીસ અધિકારીને પણ ચેલેન્જ કરે છે.
હું ગુંડાઓનો કિંગ છું: અશોક માળી ગેરકાનૂની ધંધો કરનાર અશોક માળી વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી હોવાથી તે રઘવાયો બની ગયો છે લાખણીના અરજદાર ભરતભાઇ દવેની ઓફીસ જઈને ધમકી આપી કે તમે મારા વિરુદ્ધ ફરીયાદ નોંધાવીને મોટી ભૂલ કરી છે. હું લક્કી ડ્રોનો જ નહીં પણ ગુંડાઓનો પણ કિંગ છું.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાનૂની લક્કી ડ્રોનું આયોજન કરવામાં આવી રહ્યું હતું.જેમાં સેવાકીય સંસ્થાઓ કે પછી મઠ-મંદિરના ઓથા હેઠળ ગેરકાનૂની લક્કી ડ્રો કરીને નિર્દોષ અને ભોળા લોકોને છેતરીને લાખો -કરોડો રૂપિયાની કમાણી કરવામાં આવી રહી હતી. જેના વિરુદ્ધ જાગૃત અરજદાર ભરતભાઇ દવે દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજુઆત કરીને તપાસ કરવાની માંગ કરી હતી. જે અનુસંધાને થરાદ ડી.વાય.એસ.પી. કચેરીમાં ભરતભાઇ દવેને નિવેદન માટે બોલાવવામાં આવે છે અને ત્યાં તેઓ નિવેદન આપે છે. જેના આધારે થરાદ ડી.વાય.એસ.પી. એસ.એમ.વારોતરિયાએ તપાસ કરીને પોતે ફરિયાદી બનીને ગેરકાનૂની લક્કી ડ્રોના મુખ્ય આયોજક અશોક માળી વિરુદ્ધ ગુનો દાખલ કરે છે. જેના લીધે ગેરકાનૂની લક્કી ડ્રોના આયોજકોમાં ફફડાટ ફેલાયો છે.એ સિવાય આ અશોક માળી વિરુદ્ધ ધાનેરા પોલીસ મથકે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ સિવાય દિયોદર ડી.વાય.એસ.પી.કચેરીએ પણ અરજદાર ભરતભાઇ દવેનું નિવેદન લેવામાં આવ્યું છે.જો કે થરાદ અને ધાનેરા પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં જામીન લઈને અશોક માળી મુક્ત થયો. ત્યારબાદ કોઈ રાજકીય ખિલાના જોરે કુદતા અશોક માળીએ પુનઃ એકવાર ગેરકાનૂની લક્કી ડ્રો મોરથલ ગામે કરવાની સોશ્યલ મીડિયામાં મોટા ઉપાડે જાહેરાત શરૂ કરી પણ આ લક્કી ડ્રો થરાદ પોલીસે ન થવા દીધો એટલે આ કૌભાંડી અશોક માળીએ લોકોને છેતરવા માટે આગામી ૨૮/૨/૨૫ ના દિવસે લક્કી ડ્રો કરવાની જાહેરાત કરી છે પણ અરજદાર દ્વારા લક્કી ડ્રોનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ત્યારે આ અશોક માળી અને તેના ભાગીદારો સાથે મળીને અરજદાર ભરતભાઇ દવેની ઓફીસ આવે છે અને ત્યાં બેસીને ભરતભાઇ દવેને ધાક ધમકી આપે છે અને કહે છે કે મારી પાસે તમારી આખી કુંડળી છે તમે મારા વિરુદ્ધ ફરીયાદ કરીને મોટી ભૂલ કરી છે મને બધી ખબર છે કે કોણ કેટલામાં છે પણ હવે તું સાવધાન રહેજે બાકી તારું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આજે નહીં તો કાલે તને જાનથી મારી નાખવાનો છે. હું માત્ર લક્કી ડ્રોનો કિંગ નથી હું ગુંડાઓનો પણ કિંગ છું. મારા એક ઈશારે બધું રફેદફે કરી નાખે એવા માણસો મારી પાસે છે અને હું પોલીસ અને પત્રકારોની બધી પોલ જાણું છું એટલે એ લોકો કોઈ મારી વિરુદ્ધ કશું નહીં કરી શકે પણ તને પૂરો કરી નાખવાનો છે અને તારાથી અને ડી.વાય.એસ.પી. વારોતરિયાની તાકાત હોય તો મને ફાંસીએ લટકાવી દેજો.
બાકી હવે આરપારની લડાઈ થશે અને કદાચ બીજું કશું નહીં થાય તો ભરત દવે,દિનેશ ઠાકોર અને થરાદ ડી.વાય.એસ.પી વારોતરીયાના નામની ચિઠ્ઠી લખીને આત્મહત્યા કરી નાખીશ. મને તમારા કારણે ૮૦ લાખનું નુકશાન થયું છે એટલે હું એનો બદલો લેવા ગમે તે હદે જઈશ. આમ કહીને અકસ્માત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી ભૂંડી ગાળો બોલી પરિવારના સભ્યોનું પણ અપહરણ કરવાની ધમકી આપી નીકળી ગયો હતો.જે અનુસંધાને અરજદાર ભરતભાઇ દવે દ્વારા આગથળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પણ ખોટા ધંધા કરતો અશોક માળી લાજવાના ગાજી રહ્યો છે એ પોલીસ માટે પણ શરમજનક છે.જેને લઈ આવનારા સમયમાં અશોક માળી વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ પણ રજુઆત કરવામાં આવશે.