ડીસામાં વાહન ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. શહેરના હવાઈ પિલ્લર ખાતે યોજાયેલ કૃષિ મેળામાં ગયેલા એક જાગૃત નાગરિક અને પત્રકારનું મોટરસાયકલ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી રફુચક્કર થઈ ગયા છે.
મળતી માહિતી મુજબ, ડીસાની ક્રિષ્નાવીલા સોસાયટીમાં રહેતા અને વ્યવસાયે પત્રકાર તેમજ હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા ચેતનભાઇ બાબુભાઇ શ્રીમાળી ગત તારીખ ૧૦/૦૧/૨૦૨૬ ના રોજ સવારે ૧૧ વાગ્યાના સુમારે હવાઈ પિલ્લર ખાતે ભરાયેલ કૃષિ મેળામાં ગયા હતા. તેમણે પોતાનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ (મોડલ ૨૦૧૯) જેનો નંબર GJ-08-BR-1641 છે, તે મેળાના મેઈન ગેટની બહાર પાર્ક કર્યું હતું.
એક કલાક બાદ જ્યારે તેઓ મેળો જોઈને પરત આવ્યા ત્યારે પાર્કિંગ કરેલી જગ્યાએ તેમનું બાઇક જોવા મળ્યું નહોતું. આસપાસના વિસ્તારોમાં અને સંબંધીઓમાં તપાસ કરવા છતાં બાઇકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે કંટાળીને તેમણે આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ બાબતે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અને જાહેર જનતાને પણ આ નંબરનું બાઇક ક્યાંય જોવા મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અપીલ કરી છે.

