ઊંઝા શહેરના મક્તુપુર રોડ પર આવેલા ઢેગ બિલ્ડીંગના હીરાના કારખાનામાંથી એક કર્મચારીની મોટરસાયકલની ચોરી થઈ છે. શિહી ગામના રહેવાસી ભરત રણછોડભાઈ પટેલ આ કારખાનામાં હીરા ઘસવાનું કામ કરે છે.13 મે 2025ના રોજ સવારે તેઓ પોતાની મોટરસાયકલ લઈને નોકરી પર આવ્યા હતા. તેમણે બાઈક કારખાનાના પાર્કિંગમાં મૂકી હતી.
બપોરે જમવા માટે નીચે આવ્યા ત્યારે તેમની મોટરસાયકલ પાર્કિંગમાં જોવા ન મળી. તેમણે આસપાસ શોધખોળ કરી, પરંતુ મોટરસાયકલ મળી ન આવી.આ ઘટના અંગે ભરત પટેલે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ચોરાયેલી મોટરસાયકલની કિંમત રૂપિયા 30,000 છે. પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચોરીનો કેસ નોંધવામાં આવ્યો છે.