ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયર અંગે એક મોટી અપડેટ સામે આવી છે. ઐયરના સ્વાસ્થ્યમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. ૩૦ વર્ષીય ઐયરને ICCમાંથી રજા આપવામાં આવી છે અને હવે તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. BCCI દ્વારા નિયુક્ત ટીમ ડોક્ટર છેલ્લા ત્રણ દિવસથી ઐયરની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
આ ઘટના 25 ઓક્ટોબરના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને અંતિમ ODI દરમિયાન બની હતી, જ્યારે કવર એરિયામાં એલેક્સ કેરીના બોલ પર શાનદાર કેચ પકડવાનો પ્રયાસ કરતી વખતે ઐયર પડી ગયો અને ઘાયલ થયો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.
BCCI એ 27 ઓક્ટોબરના રોજ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે શ્રેયસ ઐયરને ડાબી પાંસળી નીચે ઉઝરડો થયો છે. તેમને વધુ મૂલ્યાંકન માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્કેનથી તેમના બરોળમાં ઉઝરડો હોવાનું બહાર આવ્યું છે. તેમની સારવાર ચાલી રહી છે. તેમની સ્થિતિ સ્થિર છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. BCCI મેડિકલ ટીમ સિડની અને ભારતના નિષ્ણાતો સાથે પરામર્શ કરીને તેમની ઈજા પર નજીકથી નજર રાખી રહી છે. ભારતીય ટીમના ડૉક્ટર શ્રેયસની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે સિડનીમાં તેમની સાથે રહેશે.
ક્રિકબઝના જણાવ્યા મુજબ, ઐયર હવે ખતરામાંથી બહાર છે, જોકે તેમને ઈજાને કારણે આંતરિક રક્તસ્ત્રાવ થયો હતો. તેઓ સિડનીની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, તેમની સાથે ટીમ ડોક્ટર ડૉ. રિઝવાન ખાન પણ છે. આ મુશ્કેલ સમયમાં કેટલાક સ્થાનિક મિત્રોએ પણ તેમને ટેકો આપ્યો છે, જ્યારે વિઝા પ્રક્રિયા પૂર્ણ થયા પછી ઐયરના પરિવારનો એક સભ્ય મુંબઈથી સિડની જવા રવાના થશે.
હાલમાં એ સ્પષ્ટ નથી કે ઐયર ક્યારે ભારત પરત ફરશે, પરંતુ એવું માનવામાં આવે છે કે BCCI, ટીમ મેનેજમેન્ટ, ઐયરનો પરિવાર અને તેમનો અંગત સ્ટાફ તેમને ઉતાવળમાં પાછા લાવવા માટે તૈયાર નથી. એવી અપેક્ષા છે કે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ ન થાય ત્યાં સુધી સિડનીમાં જ રહેશે. આનો અર્થ એ થયો કે તેમને થોડા વધુ દિવસો હોસ્પિટલમાં રહેવું પડી શકે છે.
ઐયરનું આગામી સંભવિત કાર્ય દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની ODI શ્રેણી છે, જે 30 નવેમ્બર, 3 ડિસેમ્બર અને 6 ડિસેમ્બરે રમાશે. તે જોવાનું બાકી છે કે તે ત્યાં સુધીમાં સંપૂર્ણપણે ફિટ થશે કે નહીં. દરમિયાન, ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની T20I શ્રેણી રમવા માટે કેનબેરા પહોંચી ગઈ છે. પહેલી મેચ 29 ઓક્ટોબરે રમાશે.

