મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ વિવાદના મુદ્દા પર હિન્દુ પક્ષની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી. મસ્જિદને વિવાદિત માળખું જાહેર કરવાની હિન્દુ પક્ષની માંગ પર અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે મસ્જિદને વિવાદિત માળખું જાહેર કરવાની માંગ કરતી અરજી A-44 ને ફગાવી દીધી છે.
શાહી મસ્જિદને વિવાદિત માળખું જાહેર કરવા માટે વાદી એડવોકેટ મહેન્દ્ર પ્રતાપ સિંહ દ્વારા દાવો નં. ૧૩ માં અરજી દાખલ કરવામાં આવી હતી. દાવો નં. ૧૩ ના વાદી દ્વારા અરજી A-44 દાખલ કરવામાં આવી હતી જેમાં આ મૂળ દાવોની સમગ્ર આગળની કાર્યવાહીમાં શાહી ઇદગાહ મસ્જિદની જગ્યાએ ‘વિવાદિત માળખું’ શબ્દનો ઉપયોગ કરવા માટે સંબંધિત સ્ટેનોગ્રાફરને નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી હતી.
જોકે, આ અરજી પર મુસ્લિમ પક્ષ દ્વારા લેખિત વાંધો દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે હિન્દુ પક્ષની અરજી ફગાવી દેતા મુસ્લિમ પક્ષને મોટી રાહત મળી છે. હિન્દુ પક્ષની 18 અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે. જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાની સિંગલ બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે.