ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ આઈસીડીએસ. તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત આયોજન હેઠળ પોષણ ઉત્સવ કાર્યક્રમ 2025 અંતર્ગત બુધવારે સરસ્વતી તાલુકાના ચોરમારપુરા સ્થિત રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ભૂલકા મેળો, માતા યશોદા એવોર્ડ વિતરણ સમારંભ (વર્ષ 2022–23) તથા પોષણ માસ ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયો હતો.આ પ્રસંગે વિવિધ શૈક્ષણિક અને મનોરંજક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં પોષણ અને આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. કાર્યક્રમમાં બાળકો ઉત્સાહભેર જોડાયા અને રમત-ગમત દ્વારા પોષણનું મહત્વ સમજાવવામાં આવ્યું.
જિલ્લા પંચાયત પ્રમુખએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજનું બાળક એ આવતી કાલનું ભારત છે. બાળકો, કિશોરીઓ અને સગર્ભા મહિલાઓ કુપોષણથી મુક્ત બને તે માટે રાજ્ય તથા કેન્દ્ર સરકાર અનેક યોજનાઓ અમલમાં મૂકી રહી છે. આંગણવાડી કેન્દ્રો મારફતે દર માસે વિનામૂલ્યે પોષણયુક્ત ટેક હોમ રેશન આપવામાં આવે છે. સાથે સાથે, બાળકોના સર્વાંગી વિકાસ માટે પાપા પગલી પ્રોજેક્ટનો સફળ અમલ થઈ રહ્યો છે, જેના અંતર્ગત જિલ્લામાં ૪૫,૦૦૦ થી વધુ બાળકો આવરી લેવામાં આવ્યા છે.આ પ્રસંગે વર્ષ 2022–23 દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકરોને માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પોષણ માસની ઉજવણીના મહત્વ પર ભાર મૂક્યો અને સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અનુરોધ કર્યો.
આ કાર્યક્રમમાં રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર,જિલ્લા વિકાસઅધિકારી સી.એલ. પટેલ, મહિલા અને બાળ કલ્યાણ સમિતિ અધ્યક્ષ શ્રીમતી ભારતીબેન ચૌધરી, પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી રંજનબેન શ્રીમાળી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.કે.મકવાણા તેમજ જિલ્લા સ્તરના અધિકારીઓ,બાળકો, માતાઓ, આંગણવાડી કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

