ભાભરથી અમદાવાદ, બરોડા, સુરત અને મુંબઈ જવા વાળા મુસાફરોમાં આનંદની લાગણી; ભાભર રેલ્વે સ્ટેશન ખાતે ભુજ બાન્દ્રા ટ્રેનનું સ્ટોપેજ મળ્યા બાદ ટ્રેન આવી પહોંચી હતી. તેના સ્વાગત માટે આગેવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.અને લોકોએ ઉમળકાથી ટ્રેનના વધામણા કર્યા હતા. ભાભરના રાજકીય અને સેવાભાવી લોકો દ્વારા રેલવે મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવને વારંવાર રજુઆતો કરવામાં આવી હતી. જેમના આદેશથી મુંબઈ પશ્વિમ રેલ્વે વિભાગના જી.એમ.અશોક મિશ્રાએ સર્વે કરી ભાભર રેલ્વે સ્ટેશન પર ભુજ બાન્દ્રા ટ્રેનના સ્ટોપેજ માટે મંજૂરી આપી હતી. જેથી ભુજ બાન્દ્રા ટ્રેનનું ભવ્ય સ્વાગત માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ ટ્રેન અઠવાડિયામાં બે દિવસ એટલે કે સોમવાર અને શુક્રવારે દોડે છે.
ભાભર ખાતે રાત્રે ૧૦ કલાકે સ્ટોપેજ આપવામાં આવતા લોકોએ હર્ષ ભેર રેલ્વે ટ્રેનનું અગરબત્તી અને દિવો પ્રગટાવી આરતી ઉતારી ફુલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને પેંડા વહેચી મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી. ગામ સમિતિના સભ્યો સહિત મોટી સંખ્યામાં શહેરના આગેવાનો હાજર રહ્યા હતા. જેના કારણે ભાભરથી અમદાવાદ બરોડા સુરત અને મુંબઈ જતાં મુસાફરોમાં હર્ષની લાગણી છવાઈ છે. અને રાત્રે જ મુંબઈ જવા માટે ટ્રેન મુસાફરીનો લાભ લીધો હતો.