ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરતા ખુશ્બુ પાર્ક સોસાયટીમાંથી રૂ. 22.11 લાખની કિંમતનો 2210 કિલો કોપર વાયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધારની શોધખોળ ચાલુ છે. પીએસઆઇ ડી.એ.તુવર અને તેમની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ખુશ્બુ પાર્ક સોસાયટીના મકાન નંબર 90માં શંકાસ્પદ કોપર વાયરનો જથ્થો સંતાડવામાં આવ્યો છે. બાતમીના આધારે એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાન માલિક સહિત બે વ્યક્તિઓ મળી આવ્યા હતા અને ઘરની તપાસમાં 2210 કિલો કોપર વાયર મળી આવ્યો હતો.
પકડાયેલા આરોપીઓમાં ઇરફાન ઇકબાલ પઠાણ, રાજમન બુધારામ મોર્ય અને રોહિત ભીખુ પ્રજાપતિનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી કોપર વાયરના બિલ કે કાયદેસર દસ્તાવેજો મળ્યા ન હતા. પૂછપરછમાં જાણવા મળ્યું કે આ જથ્થો આમેના પાર્કમાં રહેતા મોહંમદ અયાઝ અબ્દુલ હક્ક શેખે મૂકાવ્યો હતો, જે રાત્રિના સમયે છૂપી રીતે વેચાણ કરતો હતો. મકાન માલિકને આ જથ્થો રાખવા માસિક વળતર ચૂકવવામાં આવતું હતું. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરી છે. કોપર વાયર છોલવાનું કટર અને કોપર વાયર સહિત કુલ રૂ. 22,11,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મુખ્ય આરોપી મોહંમદ અયાઝને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ માટે કેસ બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.