ભારત-પાક બોર્ડરે રાજ્યનું પ્રથમ ‘ગૌ-અભયારણ્ય’ આકાર પામશે

ભારત-પાક બોર્ડરે રાજ્યનું પ્રથમ ‘ગૌ-અભયારણ્ય’ આકાર પામશે

800 વીઘા જમીનમાં 50,000થી વધુ ગાયોનું લાલન પાલન કરાશે

હિન્દૂ ધર્મમાં ગાય માતા તરીકે પૂજાય છે પણ રાજ્ય સરકારે સિંહ, વાઘ,રીંછ, ચિત્તા અને ‎‎ઘુડખર માટે અભ્યારણો ‎બનાવ્યા છે પરંતુ ગાય માટે હજુ ‎સુધી કોઈ સત્તાવાર અભયારણ્ય ‎‎નથી. ત્યારે ભારત–પાકિસ્તાનની ‎‎આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ‎‎સુઈગામથી 20 કિ.મી. દૂર આવેલા ‎‎ગોલપ નેસડા ગામે અંદાજિત 20 કરોડના ખર્ચે દેશનું પ્રથમ’ગૌભ્યારણ’ બની રહ્યું છે. જેના લાભાર્થે આજે શનિવારે રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બોલીવુડ એક્ટર સોનુ સુદની હાજરીમાં કિર્તિદાન અને રાજભા ગઢવી ધૂમ મચાવશે.

ગોલપ નેસડા ગામમાં આવેલી ભારેશ્વર ગૌશાળામાં હાલ 500 ગાયો અને 600 નંદી સહિત 1100 જેટલા ગૌધણની સેવા કરવામાં આવી રહી છે. આ અભ્યારણ બન્યા બાદ અહીં 50 હજારથી વધુ ગાયોની સેવા કરવામાં આવશે. અહીં રખડતી અને બિમાર ગાયોને લાવવામાં આવી રહી છે. ગાયો માટે અહીં હાઈટેક હોસ્પિટલ, ગૌ છત્ર અને હજારો વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. અહીં ગાયો મુક્તપણે વિહાર કરી શકશે. નંદીઓ માટે પણ આ એક એવું સુરક્ષિત ‘ગામ’ છે, જ્યાં તેમને લાકડીનો ડર નહીં પણ સેવાની હૂંફ મળશે.

અહીં માત્ર ગૌસેવા જ નહીં, પરંતુ પર્યાવરણનું પણ જતન કરાશે. આ કેમ્પસમાં હજારોની સંખ્યામાં વડ, પીપળો, લીમડો અને આંબલી જેવા વૃક્ષો વાવવાનું આયોજન છે. આ ઉપરાંત, જળચર જીવો માટે ત્રણ સરોવર અને બે ડેમ રિપેર કરાઈ રહ્યા છે, જેથી પશુ પક્ષીને અનૂકુળ કુદરતી વાતાવરણ મળી રહે. ગૌવંશના નિવાસ માટે ‘શેડ’ ને બદલે ‘ગૌછત્ર’ બનાવાઈ રહ્યા છે.એટલું જ નહીં, ગૌવંશના ભરણપોષણ માટે અહીં વૈજ્ઞાનિક પદ્ધતિથી નેપિયર ઘાસની ખેતી કરાશે. શરૂઆતમાં 25 એકરમાં આ ઘાસ વાવવામાં આવશે, જે એકવાર વાવ્યા પછી 7 વર્ષ સુધી ચાલી શકે છે અને તે ખૂબ જ સસ્તું પડે છે. ભવિષ્યમાં ગૌધણની સારવાર માટે અહીં એક હાઈટેક ગૌ હોસ્પિટલ પણ ઊભી કરાશે, જેમાં ડોક્ટરો અને જરૂરી તમામ સુવિધા હશે કારણ કે આટલી મોટી સંખ્યામાં પશુઓ હોય ત્યારે તેમની સ્વાસ્થ્ય સંભાળ અનિવાર્ય છે.

આ ગૌ અભયારણ્ય ભવિષ્યમાં એક મોટું ટુરિઝમ સેન્ટર પણ બનશે, જ્યાં પ્રવાસીઓ જીપમાં બેસીને આખું કેમ્પસ જોઈ શકશે. આ સમગ્ર વિસ્તાર જોવા માટે અંદાજે ચાર કલાક જેટલો સમય લાગશે. 100 થી વધુ લોકોની ટીમ અત્યારે અહીં દિવસ-રાત કામ કરી રહી છે. આ પ્રોજેક્ટથી માત્ર ગાયોનું જ ભલું નહીં થાય, પરંતુ આસપાસના ગામડાંનો પણ આર્થિક અને સામાજિક વિકાસ થશે.

સ્થાનિક રામજીભાઈના જણાવ્યા અનુસાર અત્યાર સુધી 400 થી વધુ વિઘા વિસ્તારમાં જમીન ચોખ્ખી કરાઈ છે. આગામી બે-ત્રણ વર્ષમાં આ અભયારણ્ય તૈયાર થઈ જશે. દાતાઓ પણ દિલ ખોલીને દાન આપી રહ્યા છે.આ વિસ્તાર પસંદ કરવાનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતના કુલ ગૌવંશના 35% એકલા આ પ્રદેશમાં છે. આ પ્રોજેક્ટ ભારત-પાકિસ્તાન બોર્ડરથી માત્ર 30 કિ.મી. દૂર છે અને તે ગામના ટ્રસ્ટ સાથે મળીને વિકસાવાઈ રહ્યું છે.

ભારેશ્વર મહાદેવ મંદિરનો ભાતીગળ ઇતિહાસ

ભારેશ્વર મહાદેવ મંદિર અને આ જગ્યા વિશે વાત કરતા ગોલપ નેસડા ગામના અગ્રણી વિક્રમભાઈ ગામોટ જણાવે છે કે, અમારા વડવાઓ કહેતા કે લગભગ 12મીથી 13મી સદી દરમિયાન આ સ્થળ સ્થાપિત કરવામાં આવ્યું હશે. તે સમયમાં અહીં વણઝારાઓની ઘણી અવરજવર રહેતી અને એક ‘ભારો’ નામના વણઝારાએ એક તળાવ ખોદાવ્યું હતું. જેમની યાદમાં ‘ભારો તળાવ’ બનાવવામાં આવ્યું છે. અહીં તેમનું સ્મારક પણ છે. ભારેશ્વર મહાદેવનું મંદિર 21મી સદીમાં જ બનાવવામાં આવ્યું છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *