ઠંડીની વિદાય બાદ ધીમા પગલે ઉનાળા ની શરૂઆત દિવસ રાત્રીના તાપમાનમાં પણ વધારો નોંધાયો
રાત્રિ દરમિયાન સામાન્ય ઠંડી બાદ દિવસ ભર ઉનાળુ માહોલ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો ક્રમશ ઘટાડા સાથે ધીમા પગલે ઉનાળાનું આગમન થઈ રહ્યું હોય તેવું વાતાવરણ સર્જાઇ રહ્યું છે. ત્યારે સોમવારના કેટલાક વિસ્તારોમાં વાદળો પણ છવાતાં વાતાવરણમાં પલટા સાથે ઋતુ પરિવર્તન થતું જોવા મળી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે શિયાળા ની ઋતુ ખુબ સારી રહી હતી ત્યારે હવે ધીરે ધીરે ઉનાળાનું આગમન થતું જોવા મળી રહ્યું છે. ત્યારે ઠંડીની પણ વિદાય થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી પશ્ચિમ દિશાનો પવન ફૂંકાઈ રહ્યો છે. જેને લઈ રાત્રીના તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થતાં રાત્રીનું તાપમાન ઉચકાતાં જાણે શિયાળાએઁ વિદાય લીધી હોય તેમ ઠંડી નબળી પડી છે. દિવસના તાપમાનમાં વધ-ઘટ વચ્ચે ગરમીનો પારો ૩૩ થી ૩૫ ડિગ્રીની વચ્ચે જતા આકરી ગરમીનો અનુભવ થવા લાગ્યો છે જેથી બપોરના સમયે ગરમીથી બચવા એસી-પંખાની જરૂરિયાત ઉભી થઈ રહી છે.
આગામી પાંચ દિવસ સુધી બનાસકાંઠા જિલ્લાનું હવામાન માં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં; આ અગે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ૫ દિવસ સુધી બનાસકાંઠા જિલ્લામાં દિવસ-રાતના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, આ દરમિયાન તાપમાનમાં ઓશિક વધ-ઘટ થઈ શકે છે.
વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં ઝાકળનું પ્રમાણ જોવા મળી શકે છે; આ અંગે હવામાન નિષ્ણાતોના મતે વાતાવરણમાં આવેલી અસ્થિરતા અને પવનની દિશા બદલાતા બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે ઝાકળનું પ્રમાણ પણ જોવા મળી શકે છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઊંચું જોવા મળશે
ડીસામાં સોમવારે નોંધાયેલું તાપમાન
મહત્તમ તાપમાન ૩૪.૨ ડીગ્રી
લઘુતમ તાપમાન. ૧૮.૨ ડીગ્રી
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા
પવનની ગતિ પ્રતિ કલાક ૬ કીમી