બિન અધિકૃત રૂ.૧૫.૧૯ લાખના યુરીયા ખાતર કૌભાંડમાં મંડળીનું લાયન્સ રદ
ધોળા ખાતરના કાળા કારોબારનો પર્દાફાશ કરવા તંત્ર દ્વારા ચાર ટીમોની રચના
ભાભર વિસ્તારના ખેડૂતો બે -પાંચ યુરીયા ખાતરની થેલીઓ લેવા માટે દર દર ભટકતા હોય છે ત્યારે ભાભરની ધી હિરપુરા સેવા સહકારી મંડળીના ગોડાઉનમાંથી ૧૫.૧૯ લાખનો બિન અધિકૃત ખાતરનો જથ્થો મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. જેમાં કુલ રૂ.૨૨ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી બે આરોપીને ઝડપી લીધા હતા. સબસિડી વાળા ખેડૂતોને વિતરણ માટે અપાતા યુરીયા ખાતરના કાળાબજારના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ માટે કોર્ટમાં રિમાન્ડ માંગ્યા હતા.જેથી કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ત્રણ દિવસ પહેલા ધી હિરપુરા સેવા સહકારી મંડળીના ગોડાઉનમાંથી સરકારી સબસિડી વાળા યુરીયા ખાતરને અન્ય થેલીઓમાં ભરીને કોમર્શિયલ હેતુ માટે ફેક્ટરીઓમાં પેકિંગ કરી રૂ. ૧૫.૧૯ લાખનું યુરીયા ખાતર ટ્રક સહિત રૂ. ૨૨ લાખનો મુદ્દામાલ પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આજે આરોપીઓનાં બે દિવસના રિમાન્ડ પૂરા થયા છે.ત્યારે ધી હિરપુરા સેવા સહકારી મંડળીને તાળા મારી અને ગોડાઉન પણ સીલ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી બિનઅધિકૃત ૧૫.૧૯ લાખના યુરીયા ખાતર કૌભાંડમાં ચાર ટીમોની રચના કરી સઘન તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જાણવા મળતી વિગત મુજબ ધી હિરપુરા સેવા સહકારી મંડળીનું ગોડાઉન પણ હિરપુરા વિસ્તારની સરકારી જમીનમાં ઉભું કરી કાળો કારોબાર થતો હતો. આટલો મોટો સબસિડી વાળો યુરીયા ખાતરનો જથ્થો હિરપુરા મંડળીનો છે કે પછી અન્ય સેન્ટરમાંથી આવેલો છે અને કેટલા સમયથી યુરીયા ખાતરનો બિન કાયદેસર વેપાર થતો હતો ? તેમજ ખેડૂતોનું સબસિડી યુક્ત ખાતર ગેરકાયદે વેચાણ લેતી કોમર્શિયલ ફેકટરી માલિકો સામે પણ પગલાં લેવાશે કે કેમ ? તેવા અનેક સવાલો ખેડૂતોના મનમાં ઉઠી રહ્યા છે.

