નગરપાલિકા પર બિનજરૂરી ખર્ચ અંગે સવાલ ઉભા થયા
બેચર-બેચરાજી નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળો શરૂઆતના પહેલા દિવસ પછી સુમસામ બની ગયો છે. મેળામાં વેપારીઓ કે ગ્રાહકો જ ના દેખાતા હવે નગરપાલિકાના સ્વદેશી મેળાનું સુરસુરીયું થઈ જતાં નગરપાલિકાના પ્રયત્નો પર પાણી ફરી વળ્યું છે. જ્યાં સમગ્ર સ્વદેશી મેળાને લઈને નગરપાલિકાનો ફિયાસકો થઈ ગયો છે. જે બાદ નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળા પાછળ બિનજરૂરી ખર્ચને લઈને સવાલો મોટા પ્રશ્નો ઊભા થયા છે.
યાત્રાધામ બેચરાજીમાં નવ નિર્મિત નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળાના પ્રથમ દિવસે માત્ર પાંચ જેટલા સ્ટોલ ખુલ્યા હતા, પરંતુ ત્યારબાદ બીજા જ દિવસથી સમગ્ર મેળા વિસ્તારમાં એક પણ વેપારી કે ગ્રાહકો જોવા ન મળતા સમગ્ર શહેરમાં સ્વદેશી મેળો ભારે હાસ્યાસ્પદ બનવા પામ્યો છે. સ્વદેશી મેળામાં તમામ સ્ટોલ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. અને તેમ છતાં મેળા માટે સાત દિવસ સુધી મંડપ બાંધી રાખવામાં આવ્યો છે. મંડપ, લાઇટિંગ, ડેકોરેશન અને વીજળીના ખર્ચને લઈને હવે લોકોમાં ચર્ચા શરૂ થઈ છે કે આ ખર્ચ કેટલો જરૂરી છે ?
સ્વદેશી મેળા બાબતે જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરોને જાણ થઈ ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સ્વદેશી મેળાની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યાં જઈને જોતાં સમગ્ર મેળા વિસ્તારમાં એક પણ વેપારી કે ગ્રાહક હાજર જ ન હતા. આ પરિસ્થિતિને લઈને કાર્યકરો દ્વારા નગરપાલિકા પર આક્ષેપ કરવામાં આવ્યા કે જનતાના ટેક્સના પૈસાનો બિનજરૂરી ખર્ચ કરી વેડફવામાં આવી રહ્યાં છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સહ સંગઠન મંત્રી અશોકજી ઠાકોરએ જણાવ્યું કે લાખો રૂપિયાનો મંડપ, લાઈટીંગ, ડેકોરેશન અને વીજળીના બિલનો ખર્ચ થાય છે, જ્યારે મેળામાં વેપારીઓ કે ગ્રાહકો જ હાજર નથી. આવી સ્થિતિમાં પ્રશ્ન ઊભો થાય છે કે સરકાર અને નગરપાલિકા જનતાના ટેક્સના પૈસાનો યોગ્ય ઉપયોગ કરી રહી છે કે પૈસાનો દુરુપયોગ કરી રહી છે. હવે આ મુદ્દે નગરપાલિકા તંત્ર દ્વારા શું પગલાં લેવાય છે તે જોવાનું રહ્યું. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે હાલના તબક્કે ખાલી પડી રહેલા સ્વદેશી મેળાની સ્થિતિએ અનેક તર્ક વિતર્કો સાથેના ગંભીર સવાલો ઊભા કર્યા છે.


