રાજસ્થાન પંજાબ અને હરિયાણામાં જોવા મળતા કરોડોની કિંમતના પાડા (ભેંસ નું બચ્ચું) હવે બનાસકાંઠામાં પણ જોવા મળી રહ્યા છે. વડગામ તાલુકાના ધોતા ગામના એક ખેડૂતે એક નાના બચ્ચા પાડા નો ઉછેર કર્યો હતો. જે પાડાએ રાજસ્થાનના પુષ્કરના પશુ મેળામાં ભારતમાં દ્વિતીય અને ગુજરાતમાં પહેલા નંબરે બેસ્ટ પાડાનો નંબર મેળવ્યો છે. આ પાડા ની રૂ.એક કરોડ 25 લાખની બોલી પણ બોલવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લો એ પશુપાલન અને ખેતી આધારિત જીલ્લો છે અનેક લોકો પશુપાલન રાખી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને પશુઓને પોતાના બાળકની જેમ ઉછેર કરતા હોય છે. ત્યારે બનાસકાંઠાના વડગામ તાલુકાના ધોતા ગામ માં એક પશુપાલકે પોતાના ખેતરમાં એક મુરા નસલ નાં નાગરાજ નામના નાના પાડા નો ઉછેર શરૂ કર્યો હતો. ત્યારે ધીરે ધીરે આ પાડા ના ઉછેર કરતાં કરતાં અત્યારે આ પાડો ચાર વર્ષ નો થયો છે. નાગરાજ પાડા ના ઉછેર કરતા પશુપાલક દિલીપસિંહ રાજપૂત નું કહેવું છે કે, નાનપણથી જ બચ્ચા નો ઉછેર કરતો હતો. અત્યારે તે ચાર વર્ષનો થયો છે. જ્યારથી નાનો હતો ત્યારથી તેને બે ટાઇમ સ્નાન કરાવવાનું તેલ ની માલીશ કરવાની અને પોષ્ટીક ખોરાક આપવાનું ચાલુ હતું. દિવસમાં અત્યારે 15 કિલો પશુ દાણ તેલ ગોળ સહિતનો ખોરાક આપવામાં આવે છે. તેને બે ટાઈમ ચોખ્ખા પાણીથી નવરાવામાં આવે છે. તેલની માલિશ કરવામાં આવે છે હાલ તેનું વજન 1000 કિલો જેટલું છે.
થોડા સમય પહેલા મોબાઇલ અને ટીવીમાં રાજસ્થાન માં ભરાતા પુષ્કર ના પશું મેળા વિશે જાણ્યું હતું. સમગ્ર ભારતનો પશુઓનો પુષ્કર માં મેળો ભરાય છે. ત્યારે આ પાડા ને લઈને મેળામાં ગયા હતા. જ્યાં દેશભરમાંથી 15 થી 16 જેટલા પાડા આવ્યા હતા. જે પાડા ની કેટેગરીમાં આ મૂરા નસલ નાં નાગરાજ પાડાએ સમગ્ર ભારતમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો અને તેની એક કરોડ 25 લાખ જેટલી બોલી બોલાઈ હતી. જોકે અમે તેને વેચવા માટે નહોતા ગયા અમારે આ પાડા ને અમારા ફાર્મ ઉપર રાખવો છે. અને એના બ્રિડથી તૈયાર થતા અન્ય પશુઓ તૈયાર કરવા છે. ત્યારે એક પશુપાલકના શોખ અને તેની દિવસ રાતની મહેનતથી એક સવા કરોડનો પાડો પશુપાલકે ઉછેર્યો છે જેનું તેને ગર્વ થઈ રહ્યું છે.
સમગ્ર ભારતમાં બીજો નંબર પ્રાપ્ત થયો તેને લઈને આ પાડો જોવા માટે પણ હાલ અનેક લોકો સહિત પશુપાલકો આવી રહ્યા છે. ત્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે, પશુપાલક દિલીપભાઈએ આ પાડા ને ઉછેરવામાં ખૂબ જ મહેનત કરી છે. અને આ પાડાએ સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં જે નામ રોશન કર્યું છે. તેનો અમને પણ ગર્વ છે. અને અમે જોવા આવ્યા ત્યારે ખબર પડી કે ખરેખર આ પાડા ને જોતા જ લાગ્યું કે આ પાડા નો ઉછેર કરવામાં પશુપાલકે ખૂબ મહેનત કરી છે અને જેના કારણે નંબર મેળવી શક્યો હોવાનું હરેશ પંચાલે જણાવ્યું હતું.
પાડા સાથે સેલ્ફી..!
જોકે, મહત્વની વાત તો એ છે કે, આ પાડો એકદમ શાંત સ્વભાવનો છે ઘણીવાર જાનવરોથી લોકોને ડર લાગતો હોય છે. પરંતુ આ પાડા ને જોઈને કોઈ ગભરાતું નથી તેની નજીક જઈને લોકો સેલ્ફી લે છે ફોટા પાડે છે. પરંતુ આ શાંત સ્વભાવ નો પાડો કોઈને નુકસાન પહોંચાડતો નથી. અને જેના કારણે લોકોને તેની પાસે જઈ સેલ્ફી લેવી ફોટા પડાવવા ગમે છે અને લોકો તેને જોઈને પણ આનંદ અનુભવી રહ્યા છે.