પાલનપુર દૂષ્કર્મ કેસમાં ૪૦ શકમંદોની આકરી પુછપરછ : તપાસનો ધમધમાટ યથાવત

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર રેલવે સ્ટેશન નજીક સોમવારે ચાર વર્ષની બાળકી પર પાશવી બળાત્કાર કરી ફરાર થયેલા નરાધમને ઝડપી લેવા માટે જીઆરપી – આરપીએફ અને બનાસકાંઠા પોલીસની ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યાં ચાલીસ જેટલા શકમંદોની પુછતાછ હાથ ધરવા ઉપરાંત ઘટના સ્થળ આજુબાજુની દુકાનોના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ મેળવી તેના આધારે બળાત્કારી સુધી પહોચવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.
પાલનપુર રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ વચ્ચે રેલવેના કન્ડમ થયેલા સ્ટાફ ક્વાર્ટસમાં સોમવારે કોઈ અજાણ્યા નરાધમે એક ૪ વર્ષની બાળકી ઉપર બર્બરતા પૂર્વક પાશવી બળાત્કાર ગુજારી ફરાર થઈ ગયો હતો. આ ધૃણાસ્પદ બળાત્કારની ઘટનાનો આરોપી હજુ પોલીસ પકડથી દુર છે. જેને શોધવા માટે જીઆરપી – આરપીએફ અને બનાસકાંઠા પોલીસની ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. 
જ્યાં મંગળવારે બનાસકાંઠા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતુ કે, બાળકી ઉપર થયેલા બળાત્કારની ઘટના ખુબ જ સંવેદનશીલ છે. તેના ઉપર દુષ્કર્મ ગુજારનારા શખ્સને શોધી કાઢવા પોલીસની જુદીજુદી ટીમો દ્વારા તપાસ ચાલી રહી છે. જેમાં કેટલાક શકમંદોની પુછતાછ પણ હાથ ધરવામાં આવી છે. ઘટના અંગે મહત્વની કડી મળશે તેની મિડિયાને ચોક્કસ જાણ કરવામાં આવશે.
આ અંગે આરપીએફ પીઆઇ નિતિન ગુર્જરે જણાવ્યું હતુ કે, પાલનપુર રેલવે સ્ટેશન નજીક જુદાજુદા સ્થળોએ કામ કરતાં શખ્સો સહિત સીસીટીવી કેમેરાના ફૂટેજ સહિતના માધ્યમો થકી બળાત્કારીને શોધી કાઢવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.