ડીસામાં લોકડાઉન દરમિયાન આંશિક છૂટનો દુરુપયોગ
રખેવાળ ન્યુઝ ડીસા : સમગ્ર દેશમાં વ્યાપેલી કોરોનાની મહામારીને રોકવા માટે સરકારે અથાક પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં લોકોને જીવલેણ કોરોનાથી બચાવવા માટે બે તબક્કામાં લોકડાઉન પણ જાહેર કર્યું છે પણ જીવન જરૂરી વસ્તુઓ મળી રહે તે માટે આંશિક છૂટછાટ પણ આપવામાં આવી છે જો કે છેલ્લા ઘણા દિવસથી લોકડાઉનના કારણે મધ્યમ અને જરૂરિયાતમંદ લોકોની હાલત કફોડી થવા પામી છે. મધ્યમ વર્ગની કથળી રહેલી પરિસ્થિતિના પગલે રાજ્ય સરકાર પણ ચિંતિત બની હતી અને આગોતરા આયોજનના ભાગ રૂપે રાજ્ય સરકાર દ્વારા જે વિસ્તારમાં કોરોનાના કેશ ન હોય તેમજ આ વિસ્તારો નગર પાલિકા હદ વિસ્તારની બહાર આવેલા હોય તેવી ઇન્ડસ્ટ્રીઓ, ખાતરની દુકાનો અને ખેતીને લગતી ચીજવસ્તુઓની દુકાનોને ખુલી રાખવા માટે ગત શનિવારની મધ્યરાત્રીથી છૂટ આપવા માટે જિલ્લા કલેકટર દ્વારા એક શરતી જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.
જેમાં સોસીયલ ડિસ્ટનશ અને માસ્ક સાથે લોકો પોતાની દુકાનો અને ધંધા ખોલી શકશે તેવી જાહેરાત કરાઈ હતી. જોકે લોકોમાં ઉભી થયેલી ગેરસમજના કારણે સોમવારે ડીસા પાલિકા હદ વિસ્તાર આવેલી મોટા ભાગની દુકાનો ખુલી જવા પામી હતી અને એકા એક દુકાનો ખુલી જતા લોકોએ પણ ખરીદી કરવા માટે ભારે ધસારો કર્યો હતો. અચાનક મુખ્ય બજારમાં ભીડ એકત્ર થઈ જતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું અને ડીસા મામલતદાર, પાલિકા ચીફ ઓફિસર અને દક્ષિણ પીઆઈ સહિત પોલીસનો કાફલો તાત્કાલિક બજારમાં પહોંચી ગયો હતો અને વેપારીઓને સમજાવી દુકાનો બંધ કરાવી લોકોને જાહેરનામાં વિશે વિગતવાર સમજ આપી પરત ફરવા જણાવ્યું હતું.
Tags Banaskantha Deesa Gujarat Rakhewal