ડીસામાં ઇલેક્ટ્રીકના બે વેપારીઓના ત્યાં જીએસટી વિભાગના દરોડા દોઢ દિવસ સુધી જીએસટી વિભાગે કાર્યવાહી કરી
મોટી માત્રામાં બિલ વગરનો માલ મળ્યો હોવાની શક્યતા: ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જીએસટી વિભાગ દ્વારા વિવિધ માર્ગો ઉપર સતત પેટ્રોલિંગ કરી અનેક ગાડીઓ રોકી તેના બિલોનું ચેકિંગ કરવામાં આવે છે અને અનેકવાર જીએસટી વિભાગને મોટી માત્રામાં બિલ વગરનો માલ પણ મળી આવતો હોય છે ત્યારે બુધવારે જીએસટી વિભાગની ટીમે ડીસાના જુના બસ સ્ટેન્ડ સામે આવેલ એન આર કમ્પાઉન્ડ પાસે ઈલેક્ટ્રીકની બે દુકાનોમાં દરોડા પાડ્યા હતા. જીએસટી વિભાગની દોઢ દિવસ સુધી ચાલેલી આ કાર્યવાહીમાં આ બંને દુકાનોમાંથી મોટી માત્રામાં બિલ વગરનો માલ મળ્યો હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે જોકે આ સમગ્ર મામલે વિગતો જાહેર કરવાના બદલે જીએસટી વિભાગે પણ પડદો પાડી દીધો છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય વેપારી મથક: ડીસા શહેરના એન આર કમ્પાઉન્ડમાં કટલેરી, રેડીમેડ, ઇલેક્ટ્રીક, કોસ્મેટીક, મોબાઈલ એસેસરીઝ સહિતની અનેક હોલસેલની દુકાનો આવેલી છે જેમાં કેટલાક વેપારીઓ દ્વારા ટેક્સ બચાવવાની લાલચમાં મોટી માત્રામાં જીએસટીની ચોરી કરવામાં આવે છે ત્યારે બુધવારે જીએસટી વિભાગની ટીમે એન આર કમ્પાઉન્ડ પાસે આવેલ બે ઇલેક્ટ્રીકની દુકાનોમાં દરોડા પાડ્યા હતા જેમાં મોટી માત્રામાં બિલ વગરનો માલ હોવાથી જીએસટી વિભાગની ટીમે આ દુકાનોમાં દોઢ દિવસ સુધી કાર્યવાહી કરી હતી જોકે આ દોઢ દિવસની કાર્યવાહી દરમિયાન કેટલાનો મુદ્દા માલ બિલ વગરનો મળ્યો છે ? તે વિગતો મીડિયા સમક્ષ જાહેર કરવાના બદલે જીએસટી વિભાગના અધિકારીઓ પોતાની કાર્યવાહી પતાવીને નીકળી ગયા હતા. જોકે લોક મુખે ચર્ચાઈ રહ્યું છે કે આ બંને દુકાનોમાંથી લાખો રૂપિયાનો બિલ વગરનો જથ્થો મળ્યો હોવાની શક્યતાઓ છે ત્યારે દોઢ દિવસ જીએસટી વિભાગે કરેલી કાર્યવાહી ઉપર અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે.
કેટલીક વાર જાહેર માર્ગો ઉપર ગાડીઓ રોકાવી પતાવટ પણ કરતા હોવાના આક્ષેપો: ડીસાથી ઝેરડા,ડીસા પાલનપુર હાઇવે, ડીસા થરાદ હાઇવે, ડીસા ભીલડી હાઇવે, ડીસા પાટણ હાઈવે સહિતના માર્ગો ઉપર અનેકવાર જીએસટી વિભાગની ટીમ દ્વારા ત્યાંથી પસાર થતા વાહનોને રોકાવીને તેમાં રહેલ સામાન અને બિલોની ચકાસણી કરવામાં આવે છે અને કેટલાક વાહનોમાંથી બિલ વગરનો માલ પણ મળતો હોય છે જોકે કેટલાક અધિકારીઓ બારોબાર વહીવટ કરીને પતાવટ પણ કરતા હોવાના આક્ષેપો લોકોએ કર્યા હતા.
જીએસટી વિભાગે પાડેલા દરોડા અનેક શંકા ઉપજાવી રહ્યા છે: ડીસાના એન આર કમ્પાઉન્ડ પાસેની બે ઇલેક્ટ્રીકની દુકાનોમાં બુધવારે જીએસટી વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા અને આ દુકાનોમાં સતત દોઢ દિવસ સુધી જીએસટી વિભાગના કર્મચારીઓએ કાર્યવાહી કરી હતી જો કે આ બંને દુકાનોમાંથી બિલ વગરનો કેટલો જથ્થો ઝડપાયો છે તે અંગે વિગતો જાહેર ન કરતા તેમની કામગીરી સામે પણ અનેક શંકા કુશંકાઓ ઉપજી રહી છે.