ડીસાના ધારાસભ્ય દ્વારા રાજ્યના સિંચાઈ અધિકારી સમક્ષ રજૂઆત
રખેવાળ ન્યુઝ ડીસા : બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદી અનેક વર્ષોથી કોરીધાકોર પડી છે અને સૂકીભઠ બનાસ ધીમે ધીમે પોતાની ઓળખ ગુમાવી રહી છે. એક સમયે ખળખળ વહેતી નદીના પટમાં સમગ્ર દેશમાં વિખ્યાત એવા બટાકાની ખેતી થતી. સાથે સાથે તેના પટમાં તરબૂચ, ટેટી, કાકડી સહિતના અનેક પાકોનું પણ વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થતું હતું પરંતુ કાળક્રમે બનાસ નદી વહેતી બંધ થઈ છે અને માત્ર ચોમાસા દરમિયાન બનાસ નદીમાં વરસાદી પાણી આવતા હોય છે પરંતુ આ વર્ષે આકરા ઉનાળામાં પણ બનાસ ફરી વહેતી થાય તેવી શકયતાઓ જણાઈ રહી છે. તાજેતરમાં દાંતીવાડા ડેમના તમામ દરવાજાનું સમારકામ કરવાનું હોઇ તેમાનું વધારાનું પાણી નહેરમાં છોડવાનું હતું. પરંતુ ચાલુ સાલે સમગ્ર જિલ્લામાં દિન પ્રતિદિન ભુર્ગભ જળ નીચા જઇ રહ્યા છે બોર નિષફળ જતા ખેડૂતોના ઉભા પાક સુકાઈ રહ્યા છે. જેના પગલે ખેડૂતો દર વર્ષે કૂવામાં વધારાની કોલમ નાખતા હોવા છતાં પણ પૂરતું પાણી પિયત માટે મળતું નથી ત્યારે જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેમાં ડીસાના જાગૃત ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા રાજ્યના સિંચાઇ અધિકારીને રજુઆત કરી દાંતીવાડા ડેમનું પાણી બનાસ નદીમાં છોડવાની રજૂઆત કરવામાં આવી છે. રાજ્યના સિંચાઇ અધિકારીએ પણ તેમની વાતને સમર્થન આપ્યું છે. જેથી આગામી બે દિવસમાં બનાસ નદી ખળખળ વહેતી થાય તેવી ઉજળી શકયતા છે. જેના પગલે સમગ્ર જિલ્લામાં ભૂગર્ભ જળ ઊંચા આવશે અને ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે
Tags Banaskantha dantiwada