ડીસા પાસે બનાસ નદી પર ચેકડેમ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત
રખેવાળ, ડીસા
ડીસાના પુર્વ પાલિકા પ્રમુખે રાજ્ય સરકારને પત્ર લખી બનાસનદી પર ડીસા પાસે ચેકડેમ બનાવવાની રજુઆત કરી છે. બનાસકાંઠામાં ફળદ્રુપ ગણાતી જમીન ડીસા આસપાસ આવેલી છે. અહીંયા વર્ષોથી બનાસનદી વહેતી હોવાના કારણે પાણી પણ મીઠા હતા. ડેમનું પાણી નહેરોમાં જતા નદી સુકાવા લાગી. જેથી બનાસનદીના કિનારાના ગામોમાં પાણી ના તળ ઊંડા જવા લાગ્યા.
જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ત્યારે હાલ ડીસા ધારાસભ્યની રજુઆતને લઈને પાણી નદીમાં છોડી સજીવન બનાવવામાં આવી છે. સાથે ડીસાના પૂર્વ પાલિકા પ્રમુખ પ્રવીણ માળીએ ડીસા આસપાસના વિસ્તારમાં બનાસનદી પર ચેકડેમ બનાવવાની માંગ સાથે ચેકડેમ ભરી રાખવા આયોજન કરવાની માંગ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ કરી છે. સાથે એ પણ જણાવ્યું છે કે, ડીસા પાલિકાએ બનાવેલ શુદ્ધિકરણ પ્લાન્ટ પણ આવનાર છ માસમાં તૈયાર થઈ રહ્યું છે. ત્યારે આ પ્લાન્ટ દ્વારા ચેકડેમનો ઉપયોગ કરી શહેરને શુદ્ધ પાણી પણ આપી શકાશે. ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે, આ બાબતે મેં અગાઉ રજુઆત કરી છે. અને ડીસા પાસે બહુ મોટો ચેકડેમ બનશે.
જેનાથી માત્ર ખેડૂતોને નહિ પણ ડીસા શહેરના વેપારીઓને પણ ફાયદો સાથે ખૂબ જ મોટું આયોજન છે. જે ડીસાવાસીઓ માટે સરપ્રાઈઝ હશે. હાલ ખેડૂતોની માંગને લઈને પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. જેના કારણે આસપાસ ના અનેક ગામના ખેડૂતોને લાભ થશે.